ભારત વિરુદ્ધ ચીનના સેટેલાઈટ્સનો ઉપયોગ કરતું પાકિસ્તાન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 26 હિંદુઓના નરસંહાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યંત ખરાબ સ્થિતિમાં પહોંચી ગયા છે. આ હુમલાના આરોપીઓ અને કાવતરાખોરો પાકિસ્તાનમાં બેઠા હોવાના અહેવાલો છે. આ વચ્ચે ભારત સરકારે પોતાની સેનાઓને કાર્યવાહી માટે ખુલ્લી છૂટ આપી દીધી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન પર ભારત દ્વારા હુમલાનો ખતરો વધી ગયો છે. પાકિસ્તાન ગભરાઈ ગયું છે અને ચીનના આશ્રયમાં ચાલી ગયું છે. ચીન પણ તેની પુરજોશથી સહાય કરી રહ્યું છે.

પાકિસ્તાનને ભારત તરફથી સાયબર હુમલાથી લઈને સમુદ્રી હુમલા સુધીના તમામ ખતરાઓ દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ચીન તેનો પૂરતું સહયોગ આપી રહ્યું છે. પાકિસ્તાન ચીનના સેટેલાઈટ્સનો ઉપયોગ ભારત પર નજર રાખવા અને પોતાનું સૈન્ય સંચાર મજબૂત બનાવવા માટે કરી રહ્યું છે. વિવિધ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ચીની સેટેલાઈટ્સ ભારતની સૈન્ય પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે અને પાકિસ્તાનની વ્યૂહાત્મક ક્ષમતા વધારવામાં મદદરૂપ બની રહી છે.

પાકિસ્તાન-ચીન સંબંધો

પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે. તેને “ઓલ-વેધર ફ્રેન્ડશિપ” તરીકે ઓળખવામાં આવે છે. પાકિસ્તાન પાસે સેટેલાઈટ લોન્ચ કરવાની મર્યાદિત ક્ષમતા છે, તેથી તે ચીન પર નિર્ભર છે. પાકિસ્તાન આ સેટેલાઈટ્સનો ઉપયોગ ભારતની સીમાઓ અને સૈન્ય પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે કરી રહ્યું છે.

પાકિસ્તાન ચીન દ્વારા લોન્ચ કરાયેલ સેટેલાઈટ્સ જેમ કે PRSS-1 (2018) અને PRSC-EO1 (2025) નો ઉપયોગ કરી રહ્યું છે. આ રિમોટ સેન્સિંગ સેટેલાઈટ્સ દિવસે અને રાત્રે બંને સમયે નિરીક્ષણ કરી શકે છે અને વાદળછાયા વાતાવરણમાં પણ કાર્યક્ષમ રહે છે. અહેવાલો મુજબ, ભારતની સીમાઓ અને સૈન્ય પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે આનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત PAKSAT MM1 (2024) જેવા કોમ્યુનિકેશન સેટેલાઈટ્સ પાકિસ્તાનના સૈન્ય સંચારને વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે.