પાકિસ્તાનને સિંધુ નદીમાં મળ્યો સોનાનો મોટો ભંડાર

નવી દિલ્હીઃ ભારતની પાસે આશરે 876 ટન ગોલ્ડ રિઝર્વ છે, ત્યારે પડોશી દેશ પાકિસ્તાનના હાથે જેકપોટ લાગ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને સિંધુ નદીમાં મોટા સોનાના રિઝર્વની શોધ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  પાકિસ્તાનના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે (GSPએ) આસરે 32.6 મેટ્રિક ટન સોનાના ભંડારની શેધ કરી છે. પાકિસ્તાનમાં પંજાબ રાજ્યના ભૂતપૂર્વ ખાણકામ મંત્રી ઈબ્રાહિમ હસન મુરાદે એટોક શહેરમાં 2 અબજ ડોલર (17,000 કરોડ રૂપિયા)ના સોનાનો ભંડાર મળ્યો હોવાનો દાવો કર્યો છે. હસન મુરાદના જણાવ્યા અનુસાર એટોકમાં 32 કિલોમીટરના વિસ્તારમાં 32,658 કિલો (28 લાખ તોલા) સોનાનો ભંડાર મળી આવ્યો છે. એક અહેવાલ અનુસાર આ મોટા સોનાના ભડારની અંદાજિત કિંમત આશરે 600 અબજ પાકિસ્તાની રૂપિયા છે.


તેમણે X પોસ્ટમાં લખ્યું હતું કે પાકિસ્તાનના જિયોલોજિકલ સર્વેના વૈજ્ઞાનિકોની આ શોધ પંજાબમાં કુદરતી સંસાધનોની અપાર સંભાવનાઓને ઉજાગર કરે છે. પાકિસ્તાનની જિયોલોજિકલ સર્વે ટીમે આ જગ્યાએથી 127 જગ્યાએથી સેમ્પલ લીધાં હતાં. આ શોધ પાકિસ્તાનની ખનિજ સંપત્તિને ઉજાગર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે દેશને આર્થિક રીતે મજબૂત કરવાની સાથે ભાવિ પેઢીઓ માટે નવી તકો ખોલે છે.

પાકિસ્તાન માટે શું મુશ્કેલ છે?

પાકિસ્તાનનું એટોક શહેર પંજાબ રાજ્યની સરહદ પર આવેલું છે. ખૈબર પખ્તુનખ્વા રાજ્ય નજીકમાં છે, જ્યાં પાકિસ્તાની તાલિબાન લાંબા સમયથી આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ સિવાય અફઘાન તાલિબાન પણ ખૈબર પખ્તુનખ્વાથી એટોક સુધીની સરહદને વિવાદિત માને છે.