નવી દિલ્હી: મતદારોના નામોની કથિત ગેરરીતિઓ અને ચૂંટણી પ્રક્રિયાના મુદ્દે કેન્દ્ર સરકાર સામે મોરચો માંડવા માટે વિપક્ષી ગઠબંધન ‘INDIA’ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રામલીલા મેદાન ખાતે વિશાળ ‘વૉટ બચાવો, દેશ બચાવો’ જન માર્ચ અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મિન્ટો રોડથી રામલીલા મેદાન સુધી યોજાનારા આ માર્ચ અને મહારેલીને પગલે રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશના વિદ્યાર્થીઓ, ખેડૂતો, મજૂરો અને મહિલાઓ સહિત તમામ નાગરિકોને આ આંદોલનમાં જોડાવા હાકલ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મતદારયાદીમાંથી નામો દૂર કરીને લોકશાહી અને બંધારણ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ મહારેલી અને માર્ચના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ દ્વારા સેન્ટ્રલ દિલ્હી અને રામલીલા મેદાનની આસપાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તથા વાહનવ્યવહાર માટે વિશેષ રૂટ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે.




