‘ઓપરેશન સિંદૂર’ આતંકવાદીઓ પર ભારતની સટિક કાર્યવાહીઃ રાય

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન અને પાક કબજા હેઠળના કાશ્મીર (POK)માં ૬–૭ મેની રાત્રિએ નવ આતંકવાદી સ્થાનો પર ઓપરેશન સિંદૂર હેઠળ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ કાર્યવાહી ચોકસાઈપૂર્વક, વ્યૂહાત્મક અને ઉશ્કેરણી વગર હતી અને તેમાં નાગરિક કે લશ્કરી માળખાને હાનિ પહોંચાડ્યા વગર પાકિસ્તાનને મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો, એમ ભારતના ઈથિયોપિયામાં એમ્બેસેડર અને આફ્રિકન યુનિયનમાં કાયમી પ્રતિનિધિ અનિલ રાયે વિદેશી મિડિયા, થિન્ક ટેન્ક અને ભારતીય પ્રવાસી નેતાઓને સંબોધિત કરતું એક વિશેષ મિડિયા બ્રીફિંગ આપ્યું હતું.

તેમણે આ સેશનમાં ભારતનો હાલનો જિયોપોલિટિકલ ચિતાર, નોંધપાત્ર આર્થિક ગ્રોથ, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતો અને અન્ય દેશો સાથે કૂટનીતિના પ્રયાસોનું એક વિશ્લેષણ પણ રજૂ કર્યું હતું.  તેમણે કહ્યું હતું કે IMFના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક ૨૦૨૫ મુજબ ભારતે જાપાનને પછાડી વિશ્વની ચોથા સૌથી મોટા અર્થતંત્ર તરીકે સ્થાન મેળવ્યું છે અને આગામી વર્ષોમાં જર્મનીને પણ પછાડી ત્રીજા ક્રમે પહોંચવાને માર્ગે છે.

તેમણે કહ્યું હતું કે હાલમાં ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) થયો છે. આ કરાર હેઠળ ૯૯ ટકા ભારતીય વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ મળશે, અને સર્વિસિસ, IT અને મોબિલિટી ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ તકો ઊભી થશે. આ એક વૈશ્વિક વેપારમાં ભારત માટે ઐતિહાસિક પગલું છે.

પાકિસ્તાનની સેના અને આતંકવાદી સાઠગાંઠનો તેમણે પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાને પહેલગામ હુમલામાં આતંકવાદી હુમલાની જવાબદારી લેનારા TRF અંગે UNSCમાં નામ લેવાથી દૂર રહ્યું હતું. તેમણે UNSCમાં પાકિસ્તાનની પડદા પાછળની ચાલોનો ખુલાસો કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે વૈશ્વિક આતંકવાદ ખતમ કરવાની વ્યૂહરચનામાં ભારત નેતૃત્વ લઈ શકે એમ છે. તેમણે આ ઉપરાંત પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથોને UNSCની 1267 પ્રતિબંધિત સમિતિ અંતર્ગત ઉમેરવા માટે પાંચ પ્રસ્તાવ પણ મૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે  SAARC, SCO-RATS, BIMSTEC, BRICS  અને UN વચ્ચે મજબૂત સહકાર સાધીને આતંકવાદના સુરક્ષિત સ્થાનોને ખતમ કરવામાં આવે. તેમણે સેશનના અંતે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે એક મિનિટ મૌન પાળવાથી કરાવ્યો હતો.