અમદાવાદ: આગામી 2જી ઑક્ટોબરના રોજ કોચરબ આશ્રમમાં ‘ચાલો ચરખો રમીયે…’ નામની ખાસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લાં 11 વર્ષથી આ ચરખા ચળવળ ચાલી રહી છે. આ વર્ષે 11 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રૂપે ‘ચરખાનો અનુભવ અને આશ્રમની મુલાકાત’નો જાહેર કાર્યક્રમ 2જી ઓક્ટોબરના રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન કોચરબ આશ્રમ ખાતે રાખવામાં આવ્યો છે. અવની વરિયા આ ચળવળ દ્વારા ગાંધીજીની ફિલોસૂફી તેમજ લોકો માટે ચરખાના ઉપયોગનો પ્રચાર કરી રહ્યા છે. તેઓ છેલ્લાં 25 વર્ષથી હસ્તકલા અને હસ્તકલાના પુનઃરુત્થાન પર કામ કરી રહ્યા છે.
photo is ©️ of the program, taken during previous event
અવની વરિયા દ્વારા 2 ઓક્ટોબર, 2013ના રોજ ‘ચાલો ચરખો રમીયે…’ એ સમકાલીન ચરખા ચળવળની શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત કોચરબ આશ્રમથી આ ચળવળ શરૂ થઈ હતી. જેમાં લોકોને ચરખા વિશે જ્ઞાન આપવામાં આવે છે, ચરખાને સમજવા અને સ્વીકારવામાં અને તેની કામગીરી શીખવામાં મદદરૂપ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે.
photo is ©️ of the program, taken during previous event
અવનીબહેનનું માનવું છે કે શાંતિ હોવી એટલે કે વિશ્વમાં ક્યાંય યુદ્ધની પરિસ્થિતિ ન હોવી તેવું બિલકુલ નથી. શાંતિ એટલે મનની શાંતિ. જો વિશ્વમાં દરેક વ્યક્તિ દિવસમાં એક કલાકનો સમય કાઢીને રેંટિયો કાંતે તો શાંતિનું નિર્માણ થાય છે. કારણ કે આ પ્રવૃત્તિ દરેક વ્યક્તિના મનને શાંતિ આપે છે અને દરેક વ્યક્તિના મનમાં શાંતિ હોવી ખુબ જ જરૂરી છે. શાંતિ એ હકારાત્મક અભિગમ અને શાંત મન સાથે દરેક વ્યક્તિ દ્વારા કરવામાં આવતા રચનાત્મક કાર્યની આડપેદાશ છે.
photo is ©️ of the program, taken during previous event
અવની વરિયા દ્વારા ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ટકલી, ચરખા અને કાંતણ વિદ્યા શીખવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ચરખા મંડળો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ચરખા સૈનિકોને કાંતણ વિદ્યાને પુનર્જીવિત કરવા માટે વિવિધ કાર્યક્રમો દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ ચળવળ દ્વારા સમાજના વિવિધ વર્ગના સભ્યોની સાથે કારીગરોને નિયમિત રીતે કામ મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે.
photo is ©️ of the program, taken during previous event
અવનીબહેન દ્વારા આ ચળવળમાં સંસ્થાઓને જોડવાના પ્રયાસો કરવામાં આવે છે. આ સંસ્થાઓ કાંતણ વિદ્યા માટે જરૂરી સાધનો અને સામગ્રીનો પુરવઠો પૂરો પાડવા માટે મદદરૂપ બને છે. હાથ વણાટના કારીગરોને તેમનું કાર્ય ચાલુ રાખવા અને વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
photo is ©️ of the program, taken during previous event
દર મહિને અવનીબહેન નિયમિત ચરખાના કાર્યક્રમો યોજે છે, જ્યાં લોકો આવીને કાંતવાનું શીખી શકે છે. ઘણી વખત લોકો દોરા અને યાર્ન વિશે અને તેનું ઉત્પાદન કેવી રીતે થાય છે તે જાણીને આશ્ચર્યચિકત થાય છે. આ કવાયત આપણાં કપડાં ક્યાંથી આવે છે તે અંગે જાગૃતિ લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
photo is ©️ of the program, taken during previous event
અવનીબહેન કહે છે તેમ, કાંતણ એ ખૂબ જ ઉપચારાત્મક કસરત છે. રેંટિયો કાંતતા સમયે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો અને વિશ્વની બધી જ સમસ્યાઓ વિશે ભૂલી જાઓ છો. હંમેશા ટેક્નોલોજી વચ્ચે અટવાયેલા આપણે આપણા પોતાના હાથે પોતાની જાત માટે કંઈક ઉપયોગી બનાવી શકીએ તે વિચાર જ અદ્દભૂત હોય છે.