વનડે ક્રિકેટમાં ભારતીય ટીમની બાદશાહત સતત જળવાઈ રહી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક અપડેટ બાદ પણ ટીમ ઇન્ડિયા વિશ્વની Number-1 વનડે ટીમ બની રહી છે. હવે ભારતીય ટીમનું સંપૂર્ણ ધ્યાન વર્ષ 2027 માં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપની તૈયારીઓ પર છે, જેની શરૂઆત ભારત આવતા મહિને અફઘાનિસ્તાન સામે રમાનારી 3 મેચોની હોમ સિરીઝથી કરશે. તાજા અપડેટ બાદ ભારતીય ટીમ 118 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે, જોકે ટીમને 1 રેટિંગ પોઈન્ટનું નુકસાન થયું છે. બીજા સ્થાને રહેલી ન્યુઝીલેન્ડની ટીમ 113 અંક સાથે ભારતથી માત્ર 5 પોઈન્ટ પાછળ છે, જે આગામી સમયમાં નંબર-1 ના તાજ માટે રસાકસી વધારી શકે છે. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 109 અંક સાથે ત્રીજા સ્થાને અડિખમ છે.

નવા રેન્કિંગમાં પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમે શાનદાર પ્રદર્શનના જોરે પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. સાઉથ આફ્રિકા હવે 102 અંક સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે પાકિસ્તાન 98 અંક સાથે પાંચમા સ્થાને ખસી ગયું છે. અન્ય ટીમોની વાત કરીએ તો શ્રીલંકા 96 પોઈન્ટ સાથે છઠ્ઠા, અફઘાનિસ્તાન 93 અંક સાથે સાતમા, ઇંગ્લેન્ડ 89 અંક સાથે આઠમા, બાંગ્લાદેશ 84 અંક સાથે નવમા અને વેસ્ટ ઇન્ડીઝ 74 અંક સાથે દસમા સ્થાને છે.
આ રેન્કિંગ માત્ર આંકડા નથી, પરંતુ વર્લ્ડ કપ 2027 માં સીધા પ્રવેશ માટેનું પ્રવેશદ્વાર છે. નિયમ મુજબ, 31 માર્ચ 2027 સુધીમાં રેન્કિંગમાં ટોપ-8 માં રહેનારી ટીમોને સીધી એન્ટ્રી મળશે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે યજમાન હોવાને કારણે પહેલેથી જ ક્વોલિફાય થઈ ચૂક્યા છે. જો સાઉથ આફ્રિકા ટોપ-8 માં રહેશે, તો નવમા ક્રમની ટીમને પણ સીધો લાભ મળી શકે છે.

