અમેરિકન વૈજ્ઞાનિકોને માઇક્રો RNAની શોધ માટે મેડિસિનના નોબેલની જાહેરાત

નોબેલ પુરસ્કાર 2024 માટેના વિજેતાઓની જાહેરાત 7 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. સોમવારે મેડિસિન અને ફિઝિયોલોજી ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ છે. 2024નું મેડિસિનનું નોબેલ પુરસ્કાર વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકોનને એનાયત કર્યું છે. તેમને માઇક્રો RNAની શોધ માટે આ પુરસ્કાર આપ્યો છે.

માઇક્રો RNA દર્શાવે છે કે શરીરમાં કોષો કેવી રીતે રચાય છે અને કાર્ય કરે છે. બંને જિનેટિસ્ટોએ 1993માં માઇક્રો RNAની શોધ કરી હતી. માનવ જીન DNA અને RNAથી બનેલા છે. માઇક્રો RNA મૂળભૂત RNAનો ભાગ છે. તે છેલ્લા 500 મિલિયન વર્ષોમાં બહુકોષીય સજીવોના જીનોમમાં વિકસ્યું છે. અત્યાર સુધી, મનુષ્યોમાં વિવિધ પ્રકારના માઇક્રો RNAના એક હજારથી વધુ જીન શોધાયા છે.

શું છે માઇક્રો RNA?

આ બંને સંશોધકોને જે માઇક્રો RNA (miRNA)ની શોધ માટે વિશ્વનો સર્વોચ્ચ પુરસ્કાર એવું મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મળ્યું, તે બહુ રસપ્રદ છે. આપણા શરીરના કોઇપણ નાનકડા ભાગને, ધારો કે લોહીનું કે લાળનું ટીપું લઇને તેને શક્તિશાળી માઇક્રોસ્કોપ નીચે મૂકીએ તો અસંખ્ય કોષો દેખાય. તેવા એકાદ કોષની અંદર વચ્ચોવચ કેન્દ્રમાં બેઠેલાં હોય DNA. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો તેને ‘ડિઓક્સિરિબો ન્યુક્લિઇક એસિડ’ કહેવાય. આ DNAમાં આપણા શરીરની સંપૂર્ણ માહિતી હોય છે, બ્લૂ પ્રિન્ટ પણ કહી શકાય. આપણે કેવા દેખાઇશું, આપણું બ્લડગ્રૂપ શું હશે, આપણી આંખો કેવી હશે, વાળ વાંકડિયા હશે કે ચમકતી ટાલ પડી જશે, ભવિષ્યમાં કયા રોગો થવાની શક્યતા છે… વગેરે તમામ માહિતી આ વળ ચડાવેલી સીડી (ડબલ હેલિક્સ) આકારના DNAની અંદર સંઘરેલી હોય છે. એટલે જ માણસની ઓળખ કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટો DNA ટેસ્ટ કરતા હોય છે. આ DNA શરીરના એકેએક કોષમાં મોજુદ હોય છે.

હવે શરીરને કોઇ કામગીરી માટે કોઇ ચોક્કસ પ્રોટીન બનાવવાની જરૂર ઊભી થાય, ત્યારે આ DNAમાંથી કેટલીક ઇન્ફર્મેશન લેવી પડે છે. જેમ કે, શરીરમાં શુગરનું નિયમન કરવા માટે વપરાતા ઇન્સ્યુલિન પ્રોટીનનું ઉત્પાદન કરવાનું થાય ત્યારે RNA નામના તત્ત્વને બોલાવવામાં આવે છે. કોષની અંદર રહેલા આ RNAનું પૂરું નામ છે રિબોન્યુક્લિઇક એસિડ. આ RNA કોષના કેન્દ્રમાં રહેલા DNAમાંથી ચોક્કસ ઇન્ફર્મેશન ઊંચકીને રિબોઝોમ તરીકે ઓળખાતા રસોઇયા પાસે લઈ જાય છે. જે શરીરની જરૂર પ્રમાણેનાં પ્રોટીન બનાવે છે. અલગ-અલગ કાર્યો માટે mRNA (મેસેન્જર RNA), tRNA (ટ્રાન્સફર RNA), rRNA (રિબોસોમલ RNA) જેવા પ્રકારો હોય છે. એટલે કે DNA આખા શરીરની તમામ ઇન્ફર્મેશન ધરાવતો માસ્ટર પ્લાન છે, જ્યારે mRNA તેમાંથી જોઇતી ચોક્કસ ઇન્ફર્મેશન ફોરવર્ડ કરતો ‘કુરિયરવાળો’ છે!નોબેલ પ્રાઇઝની જાહેરાત થઇ છે તે miRNA એટલે કે માઇક્રો RNA એ કોષની અંદર રહેલો મેનેજર છે, જે mRNAના કામકાજ પર દેખરેખ રાખે છે. mRNA કેટલું પ્રોટીન બનાવવાની ઇન્ફર્મેશન લઇને જાય છે, તેના પર miRNAની ચાંપતી નજર રહે છે. એટલું જ નહીં, તે mRNAની સાથે પણ રિબોઝોમ નામના રસોઇયા સુધી ટ્રાવેલ કરે છે, અને જુએ છે કે શરીરને જેટલી જરૂર છે તેટલું જ પ્રોટીન ‘રંધાઈ’ રહ્યું છે કે કેમ. જો miRNAને લાગે કે પ્રોટીનનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થઇ રહ્યું છે, તો તે mRNAની સ્વિચ ઑફ કરીને તેને સાઇલન્ટ કરી શકે છે અથવા તો ઉત્પાદનની ગતિ અત્યંત ધીમી પણ પાડી શકે છે. યાને કે miRNA શરીરની પ્રોડક્શન સિસ્ટમની પળેપળનું ધ્યાન રાખતી કંટ્રોલ સિસ્ટમ તરીકે કામ કરે છે.

આ બંને સંશોધકો વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રુવકુનને ‘પોસ્ટ ટ્રાન્સક્રિપ્શનલ જીન રેગ્યુલેશન’ તરીકે ઓળખાતી જનીનની આ ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમમાં માઇક્રો RNAની ભૂમિકા વિશે સંશોધન કરવા બદલ મેડિસિનનો નોબેલ પારિતોષિક જાહેર કરવામાં આવ્યો છે.

જ્યારે ગેરી રુવકોનને નોબેલ પુરસ્કાર વિશે માહિતી આપવા માટે ફોન આવ્યો ત્યારે તેઓ ગાઢ નિંદ્રામાં હતા. નોબેલ કમિટીએ તેમને ઊંઘમાંથી જગાડ્યા અને પુરસ્કાર મેળવવાની જાણકારી આપી. 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને શાંતિ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકોને નોબેલ પુરસ્કાર આપવામાં આવશે.આ ઈનામો સ્વીડનના સ્ટોકહોમમાં આપવામાં આવી રહ્યા છે. નોબેલ પુરસ્કારમાં 11 મિલિયન સ્વીડિશ ક્રોનર એટલે કે અંદાજે 8.90 કરોડ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે

નોબેલ પુરસ્કાર 1901માં શરૂ થયો ત્યારથી, 2024 સુધી, મેડિસિનના ક્ષેત્રમાં 229 લોકોને તેનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. છેલ્લી વખત મેડિસિન માટે નોબેલ પુરસ્કાર કેટલિન કેરીકો અને ડ્રુ વેઈસમેનને મળ્યો હતો. નોબેલ પુરસ્કાર આપનારી સમિતિએ કહ્યું હતું કે તેમના દ્વારા આપવામાં આવેલી mRNA ટેક્નોલોજીથી બનેલી કોરોના રસી દ્વારા વિશ્વ કોરોના રોગચાળામાંથી બહાર આવી શકે છે.