દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડઃ ડ્રાઇવર અને કંડક્ટરની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં ફરી એક વાર નિર્ભયા જેવી હચમચાવી દેનારી ઘટના બની છે. એક સગીરા સાથે ચાલતી બસમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં બસના ડ્રાઇવર અને કંડક્ટર પર આરોપ છે. આ ઘટના ચોથી ઓગસ્ટની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મૈનપુરી જિલ્લાની 11મા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની કોઈ વાતને લઈને પરિવારથી નારાજ થઈને કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી હતી. તે નોઈડામાં રહેતા પોતાના પિતરાઈ ભાઈને મળવા જઈ રહી હતી. તે દિવસે ભારે વરસાદ પડી રહ્યો હતો અને અંધારું પણ થઈ રહ્યું હતું. જેને કારણે તે પોતાના ગંતવ્યસ્થળને બદલે પરી ચોક પર જ ઊતરી ગઈ હતી.

એ દરમિયાન ત્યાંથી એક ખાલી સ્લીપર બસ પસાર થઈ રહી હતી. વિદ્યાર્થિનીએ બસને રોકવા માટે ઈશારો કર્યો. બસમાં બેઠેલા કંડક્ટરે તેને કહ્યું હતું કે તે તેને નોઈડા સેક્ટર-63 સુધી ઉતારી દેશે. આરોપ છે કે બસ ચાલ્યાના થોડા સમય બાદ જ કંડક્ટરે પીડિતા સાથે અશ્લીલ હરકતો શરૂ કરી હતી. ત્યાર બાદ ડ્રાઇવર અને કંડક્ટરે તેની સાથે કથિત રીતે દુષ્કર્મ કર્યું હતું. વિદ્યાર્થીનીએ વિરોધ કર્યો તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીઓએ મોડી રાત્રે તેને કાશ્મીરી ગેટ બસ અડ્ડા નજીક રિંગ રોડ પર ઉતારીને ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થિનીએ પોલીસનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે બંને આરોપીઓની તિમારપુર બસ પાર્કિંગમાંથી ધરપકડ કરી હતી. હાલ પોલીસ દ્વારા બસની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે વિદ્યાર્થિનીના પરિવારજનોને દિલ્હી બોલાવ્યા હતા અને ત્યાર બાદ તેને પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી.

બસમાં ઘેરા રંગના પડદા લાગેલા હતા

પોલીસના જણાવ્યાઅનુસાર બસમાં ખરાબી સર્જાયા બાદ આરોપીઓ તેને સૂરજપુરની વર્કશોપમાં રિપેરિંગ માટે લઈ ગયા હતા. ત્યાર બાદ તેઓ ખાલી બસને તિમારપુર લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન પરી ચોક પર તેમને વિદ્યાર્થિની મળી હતી. પરી ચોકથી કાશ્મીરી ગેટ સુધી બસે આશરે 47 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો અને આ દરમિયાન વિદ્યાર્થિની સાથે કથિત રીતે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. બસમાં ઘેરા રંગના પડદા લાગેલા હતા, જેને કારણે રસ્તા પરથી પસાર થતા કોઈ વ્યક્તિને બસની અંદર શું થઈ રહ્યું હતું તે દેખાઈ શક્યું નહોતું. આ સમગ્ર રસ્તામાં આરોપીઓને કોઈ પોલીસ ચેકિંગનો સામનો કરવો પડ્યો નહોતો અને તેઓ ઘટનાને અંજામ આપીને તિમારપુર પહોંચી ગયા હતા. CCTV ફુટેજના આધારે પોલીસે બસના ડ્રાઇવર અને કંડક્ટરની ધરપકડ કરી હતી.