વેસ્ટ ઈન્ડિઝ: સ્ટાર ખેલાડી નિકોલસ પૂરને 9મી જૂને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેણે 29 વર્ષની ઉંમરે આ નિર્ણય લીધો. નિકોલસ પૂરન વેસ્ટ ઈન્ડિઝ માટે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા નિવૃત્તિ અંગે માહિતી આપતા લખ્યું કે, ‘મારા માટે આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો, પરંતુ મે ખૂબ વિચાર કર્યા પછી નિર્ણય લીધો છે.’
View this post on Instagram
નિકોલસ પૂરણ એક આક્રમક ખેલાડી
નિકોલસ પૂરનની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તે T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાનો રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2019માં અફઘાનિસ્તાન સામે બોલ ટેમ્પરિંગના આરોપમાં તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. જો કે, તે ટૂંક સમયમાં પાછો ફર્યો અને કિરોન પોલાર્ડની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ, વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું. વર્ષ 2022માં તેને કાયમ માટે વ્હાઇટ-બોલ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે કેપ્ટનશીપ છોડી દીધી.
પૂરનની કારકિર્દી
નિકોલસ પૂરને 106 ટી20 મેચોમાં 2,275 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ ખૂબ જ સારો હતો, જેના કારણે તે હંમેશા વિરોધી ટીમ માટે ખતરો રહ્યો. તેણે 61 વન-ડે પણ રમી હતી, જેમાં તેણે ત્રણ સદી ફટકારી હતી. તેણે 2019ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પૂરનની નિવૃત્તિ પછી ઘણાં ક્રિકેટ દિગ્ગજોએ તેને શુભેચ્છા પાઠવી છે. બધાએ તેની શાનદાર કારકિર્દીની પ્રશંસા કરી છે.
