મહારાષ્ટ્રમાં હિન્દી, મરાઠીને મુદ્દે નવો ભાષા વિવાદ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાષાકીય રાજકારણ ફરી એક વાર ઊકળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા સુરેશ ‘ભૈયાજી’ જોશીએ તાજેતરમાં જાહેર સભામાં નિવેદન આપ્યું હતું કે મુંબઈ આવનારા લોકો માટે રાજ્યની અધિકૃત ભાષા મરાઠી શીખવી જરૂરી નથી. મુંબઈ, પુણે,  થાણે અને નાસિકમાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીઓ નજીક હોવાથી ભાજપને આ નિવેદનના કારણે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. રાજ્યના CM દેવેન્દ્ર ફડણવીસે સ્થિતિને સંભાળવાની કોશિશમાં કહ્યું હતું કે રાજ્યના દરેક રહેવાસીએ મરાઠી શીખવી જોઈએ.

પત્રકાર અને ‘જય મહારાષ્ટ્ર, એ હિસ્ટરી ઓફ શિવસેનાના લેખક પ્રકાશ અકોલકરનું માનવું છે કે જોશીનું આ કહેવું કે મુંબઈની ભાષા એક નથી એ જાણૂબૂજીની ચકાસણી કરવા માટે આપેલું આ નિવેદન હતું. તેમણે કહ્યું હતું RSS અને ભાજપનું ‘એક રાષ્ટ્ર, એક ભાષા’ લાગુ કરવાની યોજના સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત છે. મુંબઈનું ઉદાહરણ આપી તેઓ હિંદીને રાષ્ટ્રભાષા બનાવતાં પહેલાં રાજકીય પ્રતિક્રિયા જાણી લેવા માગે છે.

જોશી પોતે મરાઠીભાષી છે. તેમનું કહેવું છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ત્યાંની મુખ્ય વસ્તી આધારે જુદી-જુદી ભાષાઓ બોલવામાં આવે છે. ઘાટકોપરમાં વધુ ગુજરાતી લોકો છે જ્યારે ગિરગાંવમાં વધુ મરાઠી લોકો  રહે છે. આ ભાષાકીય હકીકતને માત્ર મુંબઈમાં જ સમજાવી શકાય છે. રાજ્યની અધિકૃત ભાષા મરાઠી છે, જે દેશભરમાં 12 કરોડ લોકો બોલે છે, છતાં પણ મુંબઈમાં કોઈ વ્યક્તિ મરાઠીનો એક શબ્દ પણ બોલ્યા વિના પોતાના વ્યવસાય કે નોકરી ચલાવી શકે છે.

ઐતિહાસિક દ્રષ્ટિએ મુંબઈનું સ્વરૂપ કોસ્મોપોલિટન રહ્યું છે, જેમાં અનેક ભાષાઓ, સંસ્કૃતિઓ અને જાતિ સમૂહોના લોકો ભેગા થયા છે. દેશની નાણાકીય રાજધાની તરીકે મુંબઈની આર્થિક બાગડોરનો કાબૂ બિનમરાઠી વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા નિયંત્રિત છે, જે મરાઠી મૂળના લોકોને નોકરી આપે છે. મુંબઈ ભલે મહારાષ્ટ્રનો અવિભાજ્ય ભાગ છે, પરંતુ તે મરાઠી સંસ્કૃતિનું કેન્દ્ર નથી.