રાજ્યમાં જમીન સંપાદનને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન સંપાદન પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સ્પષ્ટ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં આગામી મોટા પ્રોજેક્ટો માટે જમીન સંપાદનની જરૂરિયાતને ધ્યાને લઈ, બજાર કિંમત નક્કી કરવા નવેસરથી જમીન સંપાદન મૂલ્યાંકન સમિતિ રચવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત, વર્ષ 2014 અને 2022ના બે પરિપત્રો, જેમાં લેન્ડ પ્રાઇસ કમિટીની રચના અને કલેક્ટરના સ્વતંત્ર નિર્ણયની જોગવાઈ હતી, તે રદ કરવામાં આવ્યા છે.

નવી પ્રક્રિયા અને સમિતિની રચના

સરકારના તાજેતરના આદેશ મુજબ, જમીન સંપાદન દરમિયાન બજાર કિંમત નક્કી કરવાનો અધિકાર કલેક્ટર અથવા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત અધિકારીને આપવામાં આવ્યો છે, જેનો નિર્ણય આખરી ગણાશે. આ પ્રક્રિયામાં સહાય માટે ત્રણ સભ્યોની મૂલ્યાંકન સમિતિ રચાશે, જેમાં કલેક્ટર (અધ્યક્ષ), સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર અને નગર નિયોજક (ટાઉન પ્લાનર)નો સમાવેશ થશે. આ સમિતિ પ્રાથમિક જાહેરનામા બાદ અને આખરી જાહેરનામા પહેલાં જમીનની બજાર કિંમત નક્કી કરશે.

મહેસૂલ વિભાગે જણાવ્યું કે અગાઉની વ્યવસ્થામાં બજાર કિંમત નક્કી કરવામાં વિલંબ થતો, જેના કારણે સંપાદન પ્રક્રિયા લંબાતી હતી અને સંપાદક સંસ્થાઓ પર નાણાકીય બોજ વધતો હતો. નવી વ્યવસ્થા દ્વારા ઝડપી મૂલ્યાંકન થશે, જેથી સરકારને ખર્ચનો આગોતરો અંદાજ મેળવવામાં સરળતા રહેશે. સંપાદક સંસ્થાએ ખર્ચની રકમ ઉપલબ્ધ કરાવ્યા બાદ જ આખરી જાહેરનામું બહાર પડશે.

નવી સમિતિના નિયમો માત્ર નવા કેસોમાં જ નહીં, પરંતુ બાકી રહેલા તમામ જમીન સંપાદનના કેસોમાં પણ લાગુ પડશે. આનાથી પેન્ડિંગ કેસોમાં બજાર કિંમત ઝડપથી નક્કી થશે અને પ્રક્રિયા પારદર્શક રહેશે. મહેસૂલ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે બજાર કિંમત નક્કી કરવાનો તબક્કો પ્રાથમિક અને આખરી જાહેરનામા વચ્ચે પૂર્ણ થશે, જેથી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે. આ નિર્ણયથી ગુજરાતમાં મોટા પ્રોજેક્ટોના અમલીકરણમાં ઝડપ આવશે અને નાણાકીય બોજ ઘટશે.