ભારતીય મૂળનાં નવી પિલ્લઈને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર

નવી દિલ્હીઃ નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. નોર્વેજિયન નોબેલ સમિતિએ શાંતિ માટે ભારતીય મૂળનાં નવનેથમ નવી પિલ્લઈને વર્ષ 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર આપ્યો છે. દક્ષિણ આફ્રિકાનાં ન્યાયાધીશ અને વકીલ રહી ચૂકેલાં નવી પિલ્લઈને શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાને પ્રોત્સાહન આપવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે. સમિતિએ તેમના પ્રયાસોને અસાધારણ ગણાવ્યા છે. નોંધનીય છે કે તેઓ દક્ષિણ આફ્રિકાની હાઈકોર્ટમાં પ્રથમ અશ્વેત મહિલા ન્યાયાધીશ બન્યાં હતાં.

અહેવાલ અનુસાર નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે તેમના શરૂઆતના કાર્યથી લઈને આપણા સમયના કેટલાક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અદાલતી કેસોમાં ન્યાયાધીશ તરીકે આપેલી તેમની સેવાઓ એક વિશેષ સંદેશ આપે છે. તેમણે નેલ્સન મંડેલા અને રંગભેદ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા અન્ય લોકોનો બચાવ કર્યો હતો.

નવી પિલ્લઈને કેટલી મળશે પુરસ્કારની રકમ?

સાહિત્ય, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનના પુરસ્કારો બાદ આ સપ્તાહે આપવામાં આવનારો શાંતિ પુરસ્કાર પાંચમો નોબેલ પુરસ્કાર છે. વર્ષ 2025માં વેનેઝુએલાનાં વિપક્ષી નેતા મારિયા કોરિના માચાડોએ આ પુરસ્કાર જીત્યો હતો. શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર જીતનાર નવી પિલ્લઈને 1.2 કરોડ સ્વિડિશ ક્રોના (અંદાજે 11.66 કરોડ રૂપિયા)ની પુરસ્કારની રકમ પણ મળશે. તેમને 10 ડિસેમ્બરે ઓસ્લોમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

ભારતીય તમિળ પરિવારમાં થયો હતો જન્મ

નવી પિલ્લઈનો જન્મ 23 ડિસેમ્બર, 1941એ એક ભારતીય તમિળ પરિવારમાં થયો હતો. તેમણે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ લાંબી લડત લડી હતી. વકીલ તરીકે તેમણે આ ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો. નવી પિલ્લઈએ નેલ્સન મંડેલા સહિત અનેક રાજકીય કેદીઓના અધિકારો માટે કાનૂની લડત લડી હતી. નોંધનીય છે કે તેઓ વર્ષ 2008થી 2014 સુધી સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકાર માટેનાં ઉચ્ચાયુક્ત પણ રહી ચૂક્યાં છે.