સિનેસૃષ્ટિના ક્રાંતીવીર કલાકારની વિદાય

પાંચ દાયકાની કારકિર્દી, અઢળ પાત્રો, એક દંતકથા…

જામનગરથી આવતા મોહમ્મદ ઈબ્રાહિમ બલોચ એટલે મેહુલકુમારે નાના પાટેકરને લઈને ‘તિરંગા,’ ‘ક્રાંતીવીર,’ ‘કોહરામ,’ જેવી ફિલ્મ બનાવી. 1994માં આવેલી ક્રાંતીવીરમાં નાનાએ ભજવેલા પ્રતાપ નારાયણ તિલકનો પાત્રએ એમને તથા ફિલ્મને નેશનલ-ઈન્ટરનેશન એવોર્ડ અપાવ્યા.

આ ફિલ્મ અને નાના સાથે સંકળાયેલો એક અદભુત કિસ્સો યાદ કરતાં મેહુલભાઈ કહે છેઃ “ક્રાંતીવીરની ક્લાઈમેક્સમાં પ્રતાપને જાહેરમાં ફાંસી આપવાની હોય છે (“આ ગયે મેરી મૌત કા તમાશા દેખને?”). એ શૂટિંગનો છેલ્લો દિવસ હતો. ફિલ્મસિટીમાં અમે પબ્લિક એક્ઝિક્યુશનનો સેટ લગાડેલા સાડાત્રણસોથી વધુ જુનિયર આર્ટિસ્ટ હતા. બન્યું એવું કે એ જ દિવસે નાનાની તબિયત બગડી, એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. હું હોસ્પિટલમાં એમની ખબર કાઢવા ગયો. મેં કહ્યું કે આપણે શૂટિંગ કેન્સલ કરીએ. તો એ કહેઃ ‘નહીં, આજે શૂટિંગનો લાસ્ટ ડે છે. અગર મૈં ચલા ગયા તો ફિલ્મ રખડી જશે… હું ગમેતેમ કરીને શૂટિંગ પર આવીશ.’ એ એમ્બ્યુલન્સમાં ડૉક્ટર સાથે ફિલ્મસિટી આવ્યા, એમ્બ્યુલન્સમાં સીન-સંવાદ સમજી લીધા, વન-ટેકમાં સીન કર્યો ને પરત હોસ્પિટલ…”

મેહુલકુમાર કહે છેઃ “આ ફિલ્મ બની રહી હતી ત્યારે મેં એમને કહેલું કે, યે ફિલ્મ ઔર પ્રતાપ કે કેરેક્ટર કો તુમ્હારે જાને કે બાદ ભી લોગ યાદ રક્ખેંગેં… અને એમ જ થયું. મેહુલભાઈ કહે છે કે નાના સાથે અમારે પારિવારિક સંબંધ હતા. જેટલા સારા કલાકાર એટલા જ ઉમદા ઈન્સાન.”

* * *

નાના પાટેકર, ‘વેલકમ’ ફિલ્મના એમના સહકલાકાર મુશ્તાક ખાન અને આ બન્નેની વચ્ચે આપણી ભાષાનાં સાહિત્યકાર ઈલા આરબ મહેતા. ઓક્ટોબર હીટ તરીકે જાણીતો મહિનો આ વર્ષે ખરેખર અકળાવી ગયો.

નાના પાટેકરે ગુરુવારે ઓચિંતી એક્ઝિટ લીધી એના ચારેક દિવસ પહેલાં જ ગોવામાં આયોજિત એક કાર્યક્રમમાં મંચ પરથી કહ્યું હતું, “આવતી કાલે હું અહીં હોઈશ કે નહીં, એ મને નથી ખબર… આપણે સૌએ એક દિવસ જવાનું જ છે… પણ અંતઘડી આવે તે પહેલાં વિચારવું જોઈએ કે જીવનમાં હું જે કરવા માગતો હતો તે કરી શક્યો છું? અથવા એ કરવા મેં પૂરતો પ્રયાસ કર્યો?”

ગોવામાં પણજીથી આઠેક કિલોમીટર દૂર આવેલા રળિયામણા સાગરકાંઠા દોના પાઉલાની નજીક આવેલા નિવાસસ્થાને 75 વર્ષી નાનાનું 8 ઓક્ટોબરના મળસકે, હૃદયરોગના હુમલા બાદ અવસાન થયું. એ જ દિવસે પદ્મશ્રી નાના પાટેકરના પાર્થિવ દેહને પુણેના દોણજે ગામની એમની વાડીએ લઈ જઈને સરકારી સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એમના પરિવારમાં એમના પત્ની નીલકાંતી અને પુત્ર મલ્હાર છે.

ગોવાના પેલા પ્રવચનના સંદર્ભમાં, વિશ્વનાથ ‘નાના’ પાટેકરની વાત કરીએ તો એમણે જીવનમાં જે કરવું હતું એ લગભગ બધું કર્યું. ચિત્રકામ, ફિલ્મ-નાટ્યઅભિનય, દિગ્દર્શન, સમાજસેવા…

1 જાન્યુઆરી, 1951ના રોજ નવવર્ષના મંગળ દિવસે જન્મેલા નાના પાટેકર મહારાષ્ટ્રના મુરુડ-જંજીરાના સામાન્ય શ્રમિક મહારાષ્ટ્રિયન પરિવારમાંથી આવેલા. 13 વર્ષની નાની ઉંમરે જ એમણે આજીવિકા રળવાની જવાબદારી પોતાના ખભા પર ઉપાડવી પડી હતી. વિષમ સંજોગો વચ્ચે ઊછર્યા હોવા છતાં કળા પ્રત્યેના લગાવને કારણે એમણે મુંબઈની પ્રસિદ્ધ જે. જે. સ્કૂલ ઓફ અપ્લાઈડ આર્ટમાં પ્રવેશ લીધો.

કોલેજ-ફી તેમ જ મુંબઈમાં જીવનગાડી ચાલતી રાખવા નાના જે મળે એ કામ કરતા. સડક પર પોસ્ટર બનાવતા, કાળા-સફેદ ઝેબ્રા ક્રોસિંગ ચીતરતા, ગુનો નજરે જોનારા સાક્ષીના વર્ણન પરથી પોલીસને શંકાસ્પદના સ્કેચ બનાવી આપતા.

નાટક-સિનેમાની દુનિયામાં પ્રવેશતાં પહેલાં નાનાએ બે વર્ષ એડવર્ટાઈઝિંગ ક્ષેત્રમાં કામ કર્યું. રંગમંચ પર એમણે દિગ્દર્શક વિજયા મહેતાના રૂપે યોગ્ય માર્ગદર્શક મળ્યાં. એમનું નાટક ‘પુરુષ’ સતત ૧૬ વર્ષ સુધી ચાલ્યું હતું. સિનેમાપ્રવેશ થયો મુઝફ્ફર અલીની ‘ગમન’ (1978)થી. ત્યાર બાદ આવી જબ્બાર પટેલની મરાઠી ફિલ્મ ‘સિંહાસન’ (1979) સફળ રહી. મીરા નાયરની ‘સલામ બોમ્બે’, એન ચંદ્રાની ‘અંકુશ’ અને વિધુ વિનોદ ચોપરાની ‘પરિંદા’થી કારકિર્દીએ નવી ઊંચાઈ સર કરી.

‘પરિંદા’માં ચીફ આસિસ્ટંટ ડિરેક્ટર રહેનારા સંજય લીલા ભણસાલીએ એમની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ‘ખામોશીઃ ધ મ્યુઝિકલ’માં નાનાને મહત્વની ભૂમિકા સોંપી. આ જ ફિલ્મના સેટ (મુંબઈની વિલસન કોલેજ) પર નાનાની સુદીર્ઘ મુલાકાત લેવાનું બનેલું. સાથે હતા, થોડા જ સમય પહેલા અવસાન પામેલા સન્મિત્ર રાજુ પટેલ.

પછી તો  ‘પ્રહારઃ ધ ફાઈનલ અટેક’ (જેનું એમણે દિગ્દર્શન પણ કર્યું), ‘યશવંત’, ‘ગુલામ-એ-મુસ્તફા’ અને ‘તિરંગા’ જેવી ફિલ્મો સાથે પુરસ્કારો અને પ્રશંસાની હારમાળા સર્જાઈ.

રસપ્રદ વાત એ કે ‘પ્રહાર’ ડિરેક્ટ કરવાનો નિર્ણય લીધો ત્યારે ઈન્ડિયન મિલિટરીની પૃષ્ઠભૂમાં પાંગરતી ફિલ્મની વાર્તાને પૂરતો ન્યાય આપવા નાના ટેરિટોરિયલ આર્મીમાં જોડાયા. 1988થી ત્રણ વર્ષ તાલીમ લીધી, 1991માં ફિલ્મ રિલીઝ થઈ અને નેશનલ એવૉર્ડથી સમ્માનિત થઈ. પછી તો નાનાએ કારગિલ યુદ્ધ દરમિયાન મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી સાથે સેવા પણ આપી.

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં પ્રવેશથી જ નાનાએ ક્યારેય હીરોગીરી કરવાનો પ્રયાસ કર્યો નહીં. હિંદી સિનેમાએ નક્કી કરેલી હીરોની પરંપરાગત વ્યાખ્યામાં એ ફિટ નહોતા એની એમને ખબર હતી, પણ જે પાત્ર નિભાવતા એ હીરોથી ઓછું નહોતું. એમ તો 1990માં અમોલ પાલેકરે ‘ધ રેઈનમેકર’ નાટક પરથી હિંદી ફિલ્મ ‘થોડાસા રુમાની હો જાયે’ સર્જી એમાં હીરો અથવા મુખ્ય પાત્ર ભજવ્યું નાના પાટેકરે.

હિન્દી-મરાઠી સિનેમામાં લગભગ પાંચ દાયકાની લાંબી કારકિર્દી દરમિયાન, નાના પાટેકરે એન્ગ્રી યંગ મેન ક્રાંતિવીરથી લઈને ખડખડ હસાવતા ઉદય શેટ્ટી જેવાં પાત્રો ભજવ્યાં. ‘રાજુ બન ગયા જેન્ટલમેન,’ ‘અંગાર’, ‘અગ્નિસાક્ષી’, ‘અબ તક છપ્પન,’ ‘ટેક્સી નંબર 9211,’ ‘અપહરણ,’ ‘વેલકમ,’ ‘રાજનીતિ,’ ‘નટસમ્રાટ’ (મરાઠી), ‘વેલકમ બેક,’ ‘વેક્સિન વૉર,’ વગેરે. દક્ષિણના દિગ્ગજ રજનીકાંત સાથે ‘કાલા’ જેવી ફિલ્મ પણ કરી.

બેએક વર્ષ પહેલાં એમણે રશ્મિન મજીઠિયા નિર્મિત, વિપુલ મહેતા દિગ્દર્શિત અત્યંત સફળ ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ પરથી આ જ જોડીએ સર્જેલી મરાઠી ફિલ્મ ‘ઓલે આલે’માં મૂળ ગુજરાતી ફિલ્મના સિદ્ધાર્થ રાંદેરિયાની ભૂમિકા ભજવી. 2024ના જાન્યુઆરીમાં ‘ઓલે આલે’ રિલીઝ થઈ.

2018માં  #MeToo આંદોલન દરમિયાન અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના બાદ નાના એકાદ-બે વર્ષ ઝાકઝમાળથી દૂર રહ્યા. કેસ ક્લોઝ થયો, નાના નિર્દોષ પુરવાર થયા.

નાના આખાબોલા, સ્પષ્ટવક્તા કલાકાર હતા. આના લીધે એ અવારનવાર સમાચારમાં ચમકતા રહેતા. હજી આ વર્ષે જ વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ‘ઓ રોમિયો’ ફિલ્મના એક પ્રસંગમાં સહકલાકારોની વાટ જોઈને કંટાળેલા એ ઘરભેગા થઈ ગયેલા.

પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના ‘જય જવાન, જય કિસાન’ના નારાને એમણે પોતાના જીવનમાં ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો. એમણે મહારાષ્ટ્રમાં ગ્રામીણ હાડમારીઓને પહોંચી વળવા ‘નામ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. ગુરુવાર, 8 ઓક્ટોબરે પરદા પર શોષિતોનો અને વાસ્તવિક જીવનમાં દબાયેલા-પીડાયેલા ધરતીનાં છોરુંનો બુલંદ અવાજ હંમેશ માટે શાંત થઈ ગયો.