નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશે કોરોનાવાઈરસ મહામારી સામેના જંગમાં વેક્સિનેશનના 100 કરોડ ડોઝનો આંકડો પાર કરીને જે જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ બદલ આજે સવારે રાષ્ટ્રજોગા સંબોધનમાં પ્રત્યેક દેશવાસીને અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે, આ સમગ્ર રસીકરણ ઝુંબેશ વિજ્ઞાન પર આધારિત છે અને વૈજ્ઞાનિક આધાર પર વિકસી છે. તેમજ વૈજ્ઞાનિક રીતે જ રસીને દેશમાં ચારે બાજુ, ખૂણે ખૂણે પહોંચાડવામાં આવી છે.
મોદીએ વધુમાં કહ્યું કે, મહામારીની શરૂઆતના સમયમાં દુનિયાના દેશોમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ભારત જેવો મોટો લોકતાંત્રિક દેશ આ મહામારી સામે કેવી રીતે લડશે? એને માટે બહુ જ મુશ્કેલ હશે. ભારતના લોકો એટલો બધો સંયમ, શિસ્ત કેવી રીતે રાખી શકશે? પરંતુ, આપણા દેશે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ દ્વારા આને સફળ કરી બતાવ્યું.
‘આ ભગીરથ રસીકરણ ઝુંબેશમાં એ ધ્યાન રાખવામાં આવ્યું કે તેની પર વીઆઈપી કલ્ચર હાવી ન થાય. આજે દુનિયાભરમાં લોકો ભારતના રસીકરણ કાર્યક્રમની તુલના બીજા દેશો સાથે કરી રહ્યાં છે. 100 કરોડ વેક્સિનેશન ડોઝ બાદ દુનિયા માનશે કે ભારત દેશ કોવિડ-19થી વધારે સુરક્ષિત થઈ ગયો છે,’ એમ મોદીએ વધુમાં કહ્યું.
વડા પ્રધાને કહ્યું કે કોરોના સામેનો જંગ ચાલુ છે એટલે આપણે હથિયાર હજી હેઠાં મૂકવાના નથી. માસ્ક પહેરવાનું ચાલુ જ રાખવાનું છે. જે રીતે આપણે પગમાં જૂતાં પહેર્યા વગર બહાર નીકળતાં નથી એવી જ રીતે માસ્કને પણ રોજિંદા વ્યવહારનો એક હિસ્સો બનાવી દેવાનો છે. વડા પ્રધાને આગામી તહેવારો માટે દેશવાસીઓને શુભેચ્છા આપીને પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું.
