જયપુરઃ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતને સતત ઘેરનાર કોંગ્રેસ નેતા પાઇલટે હવે કોંગ્રેસને ટેન્શનમાં મૂકી દીધી છે. અટકળોની વચ્ચે પાઇલટ પિતા રાજેશ પાઇલટની પુણ્યતિથિ 11 જૂને નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરે એવી શક્યતા છે. એને લઈને કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.
મુખ્ય પ્રધાન ગહેલોત અને કોંગ્રેસ નેતા પાઇલટની વચ્ચે અંતર વધતું જ જઈ રહ્યું છે. હાઇકમાન્ડના લાખ પ્રયાસો છતાં બંને વચ્ચે મનમેળ થાય એવી શક્યતા હાલ નહીંવત્ છે. એની વિપરીત અસર રાજસ્થાન કોંગ્રેસ પર પડી રહી છે. હવે અહેવાલો છે કે ભૂતપૂર્વ ડેપ્યુટી CM નવી રાજકીય પાર્ટી બનાવશે. આ સમાચારોથી કોંગ્રેસના ટોચના નેતૃત્વમાં હડકંપ મચી ગયો છે. જોકે કોંગ્રેસ મહાસચિવ અને સંગઠનના પ્રભારી કેસી વેણુગોપાલે સચિન પાઇલટની નવી પાર્ટીની ઘોષણાની અટકળો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મને નથી લાગતું કે તેઓ નવી પાર્ટી બનાવશે, આ બધી અફવા છે. મારી જાણકારીમાં રાજસ્થાનમાં આવું કંઈ નથી થવાનું. મારી પાઇલટ સાથે બે-ત્રણ વાર વાત થઈ હતી. ચિંતા નહીં કરો, અમે એકસાથે ચૂંટણી લડીશું. રાજસ્થાન કોંગ્રેસ એકસાથે રહેશે. આ અફવાઓ પર વિશ્વાસ ના કરો.
ત્રણ મહિનામાં ત્રણ ઘટનાક્રમ
છેલ્લા ત્રણ મહિનામાં થયેલા ઘટનાક્રમોને લઈને 11 જૂને પાઇલટના સંભવિત પગલાને લઈને ચર્ચા છે. 11 એપ્રિલે પાઇલટે ગહેલોત સરકારે સામે વસંધરા રાજેની વિરુદ્ધ ભ્રષ્ટાચારનો મામલાઓની તપાસ કરવાની માગ કરતાં એક દિવસનો ઉપવાસ રાખ્યો હતો. 11 મેએ પાઇલટે જનસંઘર્ષ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમણે અજમેરથી જયપુરની યાત્રા કરી હતી. હવે જેમ-જેમ 11 જૂન નજીક આવી રહી છે, ત્યારે પાઇલટના આગામી સંભવિત પગલા પર સૌની નજર છે.