નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આબકારી નીતિ કૌભાંડ સંબંધે CBI દ્વારા નોંધવામાં આવેલા ભ્રષ્ટાચાર મામલામાં શુક્રવારે દિલ્હીના CM કેજરીવાલને જામીન આપ્યા છે. કેજરીવાલને જામીન આપ્યા પછી આપ પાર્ટીના હરિયાણા એકમ પ્રમુખ સુશીલ ગુપ્તાએ કહ્યું હતું કે પાર્ટીપ્રમુખ રાજ્યમાં ચૂંટણીપ્રચાર કરશે.
સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલને જામીન આપવાના ચુકાદાની પ્રશંસા કરતાં આપ અધ્યક્ષ ગુપ્તાએ કહ્યું હતું કે અમે હવે બે ગણી શક્તિ સાથે ચૂંટણી લડીશું. કેજરીવાલ જલદીથી રાજ્યમાં ચૂંટણી અભિયાન શરૂ કરશે. રાજ્યમાં પાંચ ઓક્ટોબરે થનારી વિધાનસભાની ચૂંટણીમાં આપ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. ભાજપને સત્તામાંથી બહાર કરવાની લોકો રાહ જોઈ રહ્યા છે, લોકો બદલાવ ઇચ્છે છે. લોકો એક ઇમાનદાર સરકાર ચૂંટવા ઇચ્છે છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યમાં હવે આપ પાર્ટી પહેલાંથી ક્યાંય મજબૂતીથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. જોકે રાજ્યોમાં આપ મજબૂતીથી ચૂંટણી લડી છે, ત્યાં કોંગ્રેસને નુકસાન થયું છે, એમ ઇતિહાસ કહે છે. આ વાત કોંગ્રેસને મુશ્કેલીમાં નાખી શકે છે. રાજ્યમાં પાછલી વિધાનસભા ચૂંટણીઓમાં આપનો રેકોર્ડ ખાસ નથી. આ વખતે પણ પાર્ટી મતની ટકાવારીમાં વધારો કરી શકે છે. રાજ્યમાં મોટા ભાગની સીટો પર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે થવાની સંભાવના છે. આ સિવાય દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેવા નાના-નાના પક્ષો પણ ચૂંટણી પરિણામો પર અસર પાડી શકે છે. રાજકીય પંડિતોનું માનવું છે કે આપના ચૂંટણીપ્રચારથી ભાજપવિરોધી મતો વહેંચાશે, જેનાથી કોંગ્રેસને નુકસાન અને ભગવા દળને લાભ થવાની સંભાવના છે.