માસ્ક પહેરવાને લઈને WHOના નવા નિર્દેશ શું છે?

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ કોરોના માહામારી સામે જંગ લડી રહ્યું છે. કોરોનાને જોતાં હવે માસ્કની જરૂરીયાત આજીવન રહે તેવું લાગી રહ્યું છે. હવે માસ્ક પહેરવા મામલે વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)એ નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. WHOની નવી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે જે જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ શકતું ત્યાં લોકોએ માસ્ક પહેરવું જોઈએ.

મહત્વનું છે કે, માસ્ક પહેરવા સંબંધી દિશાનિર્દેશોને લઈને અગાઉ WHOની ટીકા થઈ ચૂકી છે. WHO દ્વારા પહેલા માસ્ક લગાવવા પર એટલો ભાર આપવામાં નહતો આવ્યો જેના કારણે કોરોના દુનિયાભરમાં ઝડપથી ફેલાયો હતો તેવો આરોપ છે. ત્યારે હવે વિશ્વ સ્વાસ્થય સંગઠને આ મામલે નવા દિશાનિર્દેશો જાહેર કર્યા છે.

કેવુ હોવું જોઈએ માસ્ક?

WHO એ માસ્કની ક્વોલિટીને લઈને જાણકારી આપતા કહ્યું કે, ફેસ માસ્કને બજારમાંથી ખરીદી અથવા ઘરે પણ બનાવી શકાય છે પણ તેમાં ત્રણ પ્લાય હોવી જરૂરી છે. સૂતરનું અસ્તર, બહારનું પડ પોલિએસ્ટરનું અને વચ્ચે પોલિપ્રોપાયલીનથી બનેલું ફિલ્ટર જેવુ પડ હોવુ જોઈએ.

WHO એ કહ્યું કે જે તે દેશે ભીડભાડ વાળા વિસ્તારોમાં લોકોને માસ્ક પહેરવા પર પ્રોત્સાહિત કરવા જોઈએ. સાથે જ કોમ્યુનિટી ટ્રાન્સમિશન જેવી સ્થિતિ હોય ત્યાં પણ માસ્ક પહેરવું જોઈએ. આ ઉપરાંત રેલ,બસ જેવી ભીડભાડ વાળી જગ્યાઓ પર પણ માસ્કનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે.

જો કે, WHOના વડાએ ભારપૂર્વક કહ્યું કે માસ્ક પર સંપૂર્ણ ભરોસો ન કરી શકાય. માસ્ક વાઈરસને દૂર રાખવા માટે એક અસરકારક વ્યૂહરચનાનો જ એક ભાગ છે અને લોકોએ એમ ન માની લેવું જોઈએ કે તેઓ માસ્ક પહેરવાથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. સાથે અન્ય ઉપાયો પણ કરવા કરવા પડશે.