સ્પીકર ઓમ બિરલાની વિદ્યાર્થી નેતાથી સાંસદ બનવા સુધીની સફર…પરિચય

નવી દિલ્હી– ભાજપના નેતા અને કોટાથી સાંસદ રહેલા ઓમ બિરલાને લોકસભાના સ્પીકર તરીકે પસંદગી થઈ છે.  તેમણે નોમિનેશન ફોર્મ પર હસ્તાક્ષર કરી દીધા છે. ભાજપના નેતા ઓમ બિરલાએ તાજેતરમાં જ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોટા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રામનારાયણ મીણાને હરાવ્યાં હતાં. અનેક નામોની અટકળો વચ્ચેથી ફરી એકવાર મોદી અને શાહે લોકસભા સ્પીકર પદે ઓમ બિરલાને જાહેર કરીને સૌને આશ્ચર્યમાં મૂક્યાં છે. ત્યારે તેમનો એક નાનકડો પરિચય મેળવીએ…

ઓમ બિરલાનો જન્મ 4 ડિસેમ્બર 1962ના રોજ રાજસ્થાનના કોટમાં થયો હતો. વર્તમાનમાં ઓમ બિરલા કોટા લોકસભા ક્ષેત્રથી 17મી લોકસભાના સાંસદ છે. બિરલા કોટથી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તે 2003,2008 અને 2013માં રાજસ્થાન વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે.

ઓમ બિરલા સાથે જોડાયેલી વાતો

ઓમ બિરલાના રાજકીય સફરની શરુઆત 1978માં રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય ગુમાનપુર, કોટથી થઈ. બિરલા અહીં વિદ્યાર્થીસંઘના અધ્યક્ષ હતાં.

વિદ્યાર્થી તરીકે રાજનીતિ કર્યા બાદ ઓમ બિરલા કોટથી ભારતીય જનતા યુવા મોર્ચાના જિલ્લા અધ્યક્ષ રહ્યા. એટલું જ તેમને ભારતીય જનતા યુવા મોર્ચા, રાજસ્થાનના પ્રદેશઅધ્યક્ષ પણ બનાવાયા. તેમણે સતત 6 વર્ષ સુધી પ્રદેશઅધ્યક્ષના પદ પર કામ કર્યું.

  • ઓમ બિરલા અખિલ ભારતીય જનતા યુવા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
  • ઓમ બિલા કોટા વિઘાનસભા વિસ્તારમાંથી 3 વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યાં છે.
  • તેમની રાજકીય સફર દરમિયાન તે નેશનલ કોલ ઈન્ડિયા લિમિટેડ, નવી દિલ્હી અને નેહરુ યુવા કેન્દ્ર, નવી દિલ્હીના ડાયરેક્ટર રહી ચૂક્યા છે.
  • બિરલા નવી દિલ્હીના રાષ્ટ્રીય સહકારી ગ્રાહક સંઘના વાઈસ ચેરમેન પણ રહી ચૂક્યા છે.
  • ઓમ બિરલા 2003થી 2008 સુધી વસંધરા રાજેની સરકારમાં સંસદીય સચિવ હતાં.

 

સંસદીય સચિવના કાર્યકાળ દરમિયાન ગરીબ, અસહાય, ગંભીર દર્દીઓ વગેરેને રાજ્યસરકાર તરફથી 50 લાખ રૂપિયાની આર્થિક સહાય અપાવડાવી હતી. આ કામ બદલ તેમની પ્રશંસા પણ થઈ હતી.

કોટામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પીડિતોની વચ્ચે રહીને રાહત દળનું નેતૃત્વ કરવાની સાથે તેમણે પીડિતોને બચાવવા આવાસ, ચિકિત્સા સહાયતા ઉપલબ્ધ કરાવવામાં તેમનું વિશેષ યોગદાન રહ્યું.

ઓમ બિરલાએ મહર્ષિ દયાનંદ સરસ્વતી યૂનિવર્સિટી અજમેરથી એમકોમની ડિગ્રી મેળવેલી છે. તેમના પિતાનું નામ શ્રીકૃષ્ણ બિરલા છે. ઓમ બિરલાની પત્ની અમિતા બિરલા કોટાની એક સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ છે.