વ્હોટ્સએપ પર એક ચેટમાં જ ફોરવર્ડ થઈ શકશે મેસેજ

નવી દિલ્હીઃ  વ્હોટ્સએપ દ્વારા ફેક ન્યૂઝને રોકવા માટે એકવાર ફરીથી મોટું પગલું ભરવામાં આવ્યું છે. ફેસબુકની માલિકી વાળા વ્હોટ્સઅપે કહ્યું છે કે હવે ફોરવર્ડ મેસેજને માત્ર એક ચેટ સાથે જ શેર કરી શકાશે. એટલે કે હવે યૂઝર્સ એકથી વધારે ચેટમાં ફોરવર્ડ મેસેજ શેર નહી કરી શકે. વ્હોટ્સઅપ દ્વારા એક નિવેદન જાહેર કરીને આની જાણકારી આપવામાં આવી છે. વ્હોટ્સએપ પોતાના આ ફીચરને રોલઆઉટ કરી રહ્યું છે. કંપનીએ આ પગલું કોરોના વાયરસને લઈને પોતાના પ્લેટફોર્મ દ્વારા ફેલાઈ રહેલી ખોટી જાણકારી અને ખોટા સમાચારોને રોકવા માટે ભર્યું છે.

મેસેજિંગ એપ દ્વારા અફવાઓને ફેલાતી રોકવા માટે હવે આ લિમિટ નક્કી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે વોટ્સએપનું આ ફિચર એવા સમયમાં સામે આવ્યું છે કે જ્યારે વોટ્સએપ લોકડાઉનના સમયમાં લોકોને એકબીજા સાથે જોડી રાખવા માટે એક્ટિવ છે. ઉલ્લેખનીય છે કે જો કોઈ યૂઝરને સતત ફોરવર્ડ કરાઈ રહેલો મેસેજ મળી રહ્યો છે, તો તેને આગળ 5 વાર ફોરવર્ડ કરી શકે છે. પરંતુ નવા નિયમો અનુસાર હવે માત્ર એક સિંગલ ચેટને જ આ મેસેજ મોકલી શકાશે. વર્ષ 2019 માં આ લિમીટને 5 ચેટ માટે નક્કી કરવામાં આવી હતી.