નવી દિલ્હી- ગત મહિને જ નાણાં મંત્રાલયે 12 સીનિયર અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દીધાં. તેના થોડા દિવસો પછી 15 અન્ય આવકવેરા અધિકારીને છૂટાં કરી દીધા. ત્યાર બાદ યૂપી સરકારમાં પણ સેંકડો અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવ્યાં. તો આવો જાણીએ શું છે આ ફરજિયાત સેવાનિવૃતી કરવાની પ્રક્રિયા અને કેમ આજકાલ આ મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે?
સિયાલદાહ કોર્ટમાં રેલવે મેજિસ્ટ્રેટ અને જજ મિન્ટૂ મલિકને તેમના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કરવાના મામલે હાઈકોર્ટેના પ્રશાસને વર્ષ 2007માં સસ્પેન્ડ કરી દીધા હતાં. તેમને વર્ષ 2013માં અનિવાર્ય સેવાનિવૃત્તિની સજા સંભળાવામાં આવી હતી. હાઈકોર્ટે તરફથી આ સમગ્ર મામલે વિવેચનાત્મક તપાસ કરાવવામાં આવી અને એક પ્રાથમિક રિપોર્ટના આધાર પર જજ મલિકને સસ્પેન્ડ કરી દીધાં. તપાસ પૂર્ણ થયાં બાદ હાઈકોર્ટ પ્રશાસને વર્ષ 2013માં દંડના સ્વરૂપે મલિકને ફરજિયાત સેવાનિવૃત્તિ આપી દેવામાં આવી.
ગત સપ્તાહે જ દિલ્હી સરકારના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમની કેબિનેટને કહ્યું કે, તે ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરે. ત્યાર બાદ આ અધિકારીઓને સમયથી પહેલાં નિવૃત કરી દેવામાં આવશે. આ અગાઉ ત્રિપુરાના મુખ્યપ્રધાને રાજ્ય સરકારના અધિકારીઓને ચેતવણી આપી હતી કે અક્ષમ અને નકામાં અધિકારીઓને સમયની પહેલાં સેવાનિવૃત કરવા પર વિચાર કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર સરકારે પણ એવા અધિકારીઓને સર્વિસ પરથી કાઢવા માટે એક એક્શન પ્લાનનો ડ્રાફ્ટ રજૂ કર્યો છે.
સેન્ટ્રલ સિવિલ સર્વિસિઝ (પેન્શન) 1972ના નિયમ 56(J)ના હિસાબથી 30 વર્ષ સુધી સેવા પૂર્ણ કરી ચૂકેલાં અથવા 50 વર્ષની ઉમર પર પહોંચેલા અધિકારીઓની સર્વિસ સરકાર સમાપ્ત કરી શકે છે. તેમને નોટીસ અને ત્રણ મહિનાનું પગાર ભથ્થું આપીને ઘરભેગાં કરી દેવામાં આવી શકે છે. આવા અધિકારીઓના કાર્યની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવે છે અને જો તેમના પર ભ્રષ્ટાચાર અથવા અક્ષમતા/અનિયમિતતા જોવા મળે તો પછી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી શકે છે.
આ મામલેમાં ભ્રષ્ટ કર્મચારીઓની સેવા 10 વર્ષ સુધી ઘટી શકે છે. આ હકીકતમાં અન્ય અધિકારીઓને સબક શિખવવા માટે સરકાર દ્વારા લેવામાં આવતું પગલું છે. યૂપી સરકારના પ્રવક્તા શ્રીકાંત શર્માના જણાવ્યા અનુસાર યોગી સરકાર દરમિયાન છેલ્લાં બે વર્ષમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે તે દેશમાં અત્યાર સુધીમાં કોઈપણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી કરતાં ઘણી વધારે છે. યોગી સરકારે 200થી વધુ અધિકારીઓને ફરજિયાત નિવૃતિ આપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં કુલ 600 અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.
સરકાર પાસે આ વિકલ્પ દાયકાઓથી ઉપલબ્ધ છે પરંતુ અત્યાર સુધી ગંભીરતાથી આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવતી ન હતી. આ સરકારમાં 2014,2015 અને 2017માં આ નિયમ પર ગંભીરતાથી અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ નિયમમાં અત્યાર સુધી ગ્રુપ A અને ગ્રુપ B ના જ અધિકારીઓ જ સામેલ હતાં પરંતુ હવે ગ્રુપ Cના અધિકારીઓ પણ આ નિયમ હેઠળ આવી ગયાં છે. કેન્દ્ર સરકારે તમામ કેન્દ્રીય સંસ્થાઓને આ અંગે માસિક રિપોર્ટ માગવાનું શરુ કરી દીધું છે.
કેન્દ્ર સરકાર આ નિયમની મદદથી નકામાં સરકારી અધિકારીઓને ઘેર મોકલવા માગે છે. 50 વર્ષથી વધુ ઉંમરના અધિકારીઓને ઘેર મોકલીને યુવાઓને સિસ્ટમમાં સામેલ કરવાની બ્યૂરોક્રેસીની ક્ષમતા સારી બનાવી શકાશે. કેન્દ્રીય સતર્કતા આયુક્ત અને અન્ય દેખરેખ સમિતિની મદદથી ભ્રષ્ટ કર્મચારીઓ પર નજર રાખી શકાશે.
દિલ્હીમાં સરકારી મશીનરીથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે એલ જી અનિલ બૈઝલે પ્લાન તૈયાર કર્યો છે. એટલું જ નહીં તેમણે દિલ્હીમાં તહેનાત ભષ્ટ ઓફિસરોને ફરજિયાત સેવાનિવૃતિ આપવાની કાર્યવાહી શરુ કરવાના નિર્દેશ આપ્યાં છે. એલ જી બૈઝલ તરફથી મુખ્ય સચિવ, પોલીસ કમિશનર, ડીડીએ ઉપાધ્યક્ષ અને ત્રણેય નિગમોના આયુક્તોને પત્ર લખાયો છે. જેમાં નિર્દેશ આપવામાં આવ્યાં છે કે, તમામ વરિષ્ઠ અધિકારી એફ.આર 56(જે)/નિયમ-48 ઓફ સીસીએસ (પેન્શન) નિયમ-1972 નિયમ લાગુ કરવા એક મહિનાની અંદરમાં કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ આપે.