દિલ્હી-લખનૌ ‘તેજસ’ દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન? ખાનગીકરણની શરુઆત

નવી દિલ્હી- દિલ્હી અને લખનૌ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ દેશની પ્રથમ ખાનગી ટ્રેન બની શકે છે. આઈઆરસીટીસીને બે ટ્રેનો ભાડાં પર આપવામાં આવશે અને આ ટ્રેનોનું સંચાલન પ્રાઈવેટ ઓપરેટર્સને આપવામાં આવી શકે છે.

પેલેસ ઓન વ્હિલ્સ હેઠળ આ ટ્રેનોમાં સારી સુવિધાઓની સાથે રેગ્યુલર ટ્રેક પર ચલાવવાની યોજના છે. આઈઆરસીટીસી આ બંને ટ્રેનો માટે આઈઆરએફસીને લીઝ ચાર્જ આપશે. રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર એ વાતની સંભાવના છે કે, લખનૌ અને આનંદ વિહાર માટે પહેલાંથી ઘોષિત તેજસ ટ્રેન અને ચંદીગઢ-નવી દિલ્હી વચ્ચે પહેલાંથી જાહેર કરાયેલ તેજસ ટ્રેનને આ પ્રયોગમાં સામેલ કરવામાં આવે.

 

આ બંને તેજસ એક્સપ્રેસ 2016થી રેલવેના ટાઈમ ટેબલમાં સામેલ છે, પરંતુ અત્યાર સુધી આ ટ્રેનોને ચલાવવામાં નથી આવી. આ બંને રેલગાડીઓ તૈયાર થઈ ગઈ છે. આનંદ વિહાર અને લખનઉ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ છેલ્લાં એક વર્ષથી બિનકાર્યરત છે. રેલવેના અધિકારીઓ અનુસાર આઈઆરસીટીસી આ બંને ટ્રેનોને તેમના હસ્તક લીધા બાદ જાહેર હરાજી કરીને પ્રાઈવેટ પ્લેયર્સ અથવા ટૂરિઝમ એજન્સીને આપી શકે છે. આ સમગ્ર યોજનાનો હજુ ડીપીઆર બનવાનો છે.

મહત્વનું છે કે, રેલવેએ 100 દિવસના એજન્ડાથી આગળ વધારતા શરુઆતના તબક્કે કેટલીક ટ્રેનોને ખાનગી કંપનીઓને સોંપવાનો નિર્ણય લીધો છે. નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવે મેન (NFIR)એ આરોપ લગાવ્યો છે કે, બજેટ પરથી એ વાત સાબિત થઈ ગઈ છે કે, સરકાર રેલવેના કોર્પોરેટકરણ અને ખાનગીકરણ તરફ આક્રમક રીતે આગળ વધવા માંગે છે. ભારતીય રેલવેના ખાનગીકરણને વધુ ઝડપે આગળ વધારવા માટે એક સાત સભ્યોની કમિટી નીતિ આયોગના સભ્યો તથા અર્થાશાસ્ત્રી બિબેક દેબરાયની અધ્યક્ષતામાં સપ્ટેમ્બર 2014માં સ્થાપિત કરવામાં આવી હતી.

આ કમિટીના ડ્રાફ્ટ રિપોર્ટમાં જ સૂચનો આપવામાં આવ્યા હતા કે, ભારતીય રેલવેની સાથે પ્રતિસ્પર્ધા માટે ખાનગી ક્ષેત્રને સવારી તથા માલ ગાડીઓના સંચાલનની મંજૂરી આપવી જોઈએ, રેલવે સંબંધિત આધારભૂત સેવાઓ તથા ઉત્પાદન અને નિર્માણ કાર્ય જેવા કામો, જે રેલવે માટે મૂળભૂત નથી, તેમાં ખાનગી ક્ષેત્રના સહભાગને પ્રોત્સાહન આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, તેજસ દેશની પ્રથમ એવી ટ્રેન છે જે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે એકદમ યોગ્ય છે. તેજસ એક્સપ્રેસના દરેક ડબ્બાને બનાવવામાં રેલવેએ 3.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે.  તેજસ એક્સપ્રેસ દેશમાં શરૂ થનારી પ્રથમ એવી ટ્રેન હશે જેમાં સ્વસંચાલિત પ્લગ ટાઈપ દરવાજા લગાવંવામાં આવ્યા છે. એટલે કે, ચાલુ ટ્રેન દરમિયાન દરવાજા નહીં ખુલે ટ્રેન જ્યારે ઉભી રહેશે ત્યારે જ ખુલી શકશે.