PM મોદી ટીવી પર જોવા મળશે સાવ અલગ રૂપમાં; જંગલમાં જંગલી પ્રાણીઓની વચ્ચે

મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપણે ટેલિવિઝન પર અનેક ચૂંટણી સભાઓ ગજાવતા જોયા, યોગાસન કરતા જોયા, પણ હવે આવતી 12 ઓગસ્ટે રાતે 9 વાગ્યે તેઓ એક સાવ અલગ જ રૂપમાં ટીવીના પડદા પર જોવા મળશે.

વડા પ્રધાન મોદી જોવા મળવાના છે લોકપ્રિય ડિસ્કવરી ચેનલના ખૂબ જાણીતા ‘મેન વર્સીસ વાઈલ્ડ’ શોનાં એક સ્પેશિયલ શોમાં, ભારતનાં જંગલને ખૂંદતા.

આજે ‘ઈન્ટરનેશનલ ટાઈગર્સ ડે’ નિમિત્તે શોનાં ટીઝરના રૂપમાં એક વિડિયો ક્લિપ આજે રિલીઝ કરીને ડિસ્કવરી ચેનલે જોરદાર રોમાંચ ખડો કર્યો છે. મોદીને ચમકાવતા આ એપિસોડની જાણકારી શોનાં સંચાલક એડવર્ડ માઈકલ ગ્રિલ્સ, જે બેઅર ગ્રિલ્સ તરીકે જાણીતા છે, એમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી છે.

ગ્રિલ્સે કહ્યું છે કે ભારતમાં વન્ય જીવોનાં રક્ષણ માટે હાથ ધરવામાં આવેલા પગલાં અને કરવામાં આવેલા ઉપાયો વિશે એમણે એક ખાસ કાર્યક્રમ શૂટ કર્યો છે. એમાં તેમણે વડા પ્રધાન મોદીને પણ ચમકાવ્યા છે.

ટીઝરમાં મોદી બેઅર ગ્રિલ્સની સાથે નાનકડી હોડીમાં બેસીને નદી પાર કરતા દેખાય છે અને જંગલમાં આગળ વધતા દેખાય છે.

મોદી તે એપિસોડમાં શો પ્રેઝન્ટર ગ્રિલ્સ સાથે ભારતની વિશાળ પ્રાકૃતિક વિવિધતા અને પ્રકૃતિ સંરક્ષણ ઉપાયો વિશે ચર્ચા કરતા પણ જોવા મળશે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વન્ય જીવોનાં સંરક્ષણ અને પર્યાવરણમાં પરિવર્તન વિશે જનજાગૃતિ લાવવાનો છે.

આ પ્રોગ્રામને 180 દેશોનાં લોકો નિહાળી શકશે.

(બેઅર ગ્રિલ્સે રિલીઝ કરેલું ટીઝર જુઓ)…