નવી દિલ્હીઃ દેશનાં આઠ રાજ્યોની 19 રાજ્યસભા સીટો પર આજે મતદાન થશે. આ આઠ રાજ્યોમાંથી મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. દેશમાં કોરોના સંકટને કારણે રાજ્યસભાની 18 સીટો પર ચૂંટણી થવાની હતી, પણ પછીથી ચૂંટણી પંચે કર્ણાટકની ચાર બેઠકો, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમની 1-1 સીટ પર ચૂંટણીની ઘોષણા કરી હતી. આજે જે 19 સીટો પર મતદાન થવાનું છે, એમાંથી ગુજરાત અને આંધ્ર પ્રદેશથી 4-4, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી ત્રણ, ઝારખંડથી બે સીટો અને મણિપુર, મિઝોરમ અને મેઘાલયથી એક-એક સીટ છે.
મણિપુરમાં ચાલી રહ્યું છે રાજકીય ઘમસાણ
મણિપુરમાં રાજકીય ઘમસાણે આ ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે. અહીંના ચાર સત્તારૂઢ ગઠબંધનના નવ વિધાનસભ્યોના રાજીનામાં પછી એન વીરેન્દ્ર સરકારની સામે વિપક્ષ કોંગ્રેસે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માગ મૂકી છે. ભાજપ દ્વારા લેસિમ્બા સામાજાઓબા ઊભા છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ટી. મંગી બાબુને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ભાજપે ભૂતપૂર્વ કોંગ્રેસ સંસદસભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાને મેદાનમાં ઉતાર્યા
ગુજરાતની વાત કરીએ તો અહીં સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસ –બંને પાસે પોતાના ઉમેદવારોને જિતાડવા માટે પર્યાપ્ત વિધાનસભ્યો નથી. ભાજપે અહીં ત્રણ બેઠકો માટે ત્રણ ઉમેદવારો ઊભા રાખ્યા છે, જેમાં અભય ભારદ્વાજ, રમિલાબહેન બારા અને નરહરિ અમીન સામેલ છે. બીજી બાજુ કોંગ્રેસે બે લોકો શક્તિસિંહ ગોહિલ અઇને ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી છે.
આ સિવાય મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપે બે-બે લોકોને ટિકિટ આપી છે. ભાજપે ભૂતપૂર્વ કોંગ્રેસી સંસદસભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેર સિંહ સોલંકીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે દિગ્વિજય સિંહ અને દલિત નેતા ફૂલસિંહ બરૈયાને ટિકિટ આપી છે.
વિધાનસભ્યોને હોટેલોમાં છુપાડવા પડ્યા
રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપના વિધાનસભ્યને તોડવાના આરોપોની વચ્ચે વિધાનસભ્યોને અલગ-અલગ હોટેલોમાં છુપાડવા પડ્યા છે. ચાર ઉમેદવારોમાંથી બે કોંગ્રેસના અને બે ભાજપના છે. કોંગ્રેસે અહીં વેણુગોપાલ અને નીરજ ડાંગીને ઉતાર્યા છે, ત્યાં ભાજપના રાજેન્દ્ર ગેહલોત અને ઓમકાર સિંહ લખાવતને ટિકિટ આપી છે.