નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાના વિરોધ-પ્રદર્શન દરમ્યાન ગુરુવારે કેટલાંય રાજ્યોમાં દેખાવકારોએ ટ્રેનોમાં આગ લગાવી દીધી હતી. સૌથી વધુ ઉગ્ર પ્રદર્શન બિહાર અને ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહ્યું છે. જાહેર અને પોલીસ વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો અને કર્મચારીઓને ઘાયલ કરવામાં આવ્યા હતા. સરકારે વર્ષ 2022 માટે યોજના હેઠળ ભરતી માટે મહત્તમ વયમર્યાદા 21થી વધારીને 23 વર્ષ કરી દીધી હતી.આક્રમક વિદ્યાર્થીઓએ તેમના ભવિષ્ય માટે ચિંતા વ્યક્ત કરી હતી, કેમ કે ચાર વર્ષ પછી 25 ટકા અગ્નિવીરોને જ રાખવામાં આવશે અને બાકીનાને કોઈ પણ લાભ આપ્યા વિના મુક્ત કરવામાં આવશે. કેન્દ્ર દ્વારા આ જૂઠાણાં વિશે સ્પષ્ટતા કર્યા પછી ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યાં હતાં.
બિહારમાં વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો હતો અને ટ્રેનોને આગ ચાંપી હતી. ત્યાર બાદ પોલીસે આરા રેલવે સ્ટેશન પર તોડફોડ, લૂંટફાટ અને આગ લગાવવાના આરોપમાં 16 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી અને 650 અજાણ્યા લોકોની સામે કેસ નોંધ્યો હતો.
યુવા આંદોલનકારીઓએ બિહારના બક્સર, સમસ્તીપુર, સુપૌલ, લખીસરાય અને મુંગેર અને ઉત્તર પ્રદેશના બલિયા, બનારસ, ચંદોલીમાં હંગામો કરી રહ્યા છે. બિહારના સમસ્તીપુરમાં જમ્મુતવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાવી દીધી હતી.અગ્નિપથ યોજનાને લઈને બિહારથી ઊઠેલા વિરોધની ચિંગારી 11 રાજ્યોમાં ફેલાઈ ચૂકી છે. બિહાર, યુપી, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ અને રાજસ્થાન પછી હવે તેલંગાણામાં પણ વિરોધ પ્રદર્શનો શરૂ થયાં છે. અહીં પણ એક ટ્રેનને આગ લગાડી દીધી હતી.