નવી દિલ્હી- બોલિવુડ અભિનેત્રી જયા પ્રદા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. બીજેપીમાં એન્ટ્રીની સાથે જ હવે જયા પ્રદા રામપુર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાન સામે મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે. તમને જણાવી દઈએ કે, સમાજવાદી પાર્ટી તરફથી જયા પ્રદા રામપુર બેઠક પરથી વર્ષ 2004માં કોંગ્રેસની બેગમ નૂર બાનો સામે ચૂંટણી લડ્યા હતાં. જેમાં તેમણે જીત મેળવી હતી.
ભાજપમાં જોડાયા બાદ જયા પ્રદાએ કહ્યું કે, મને મોદીજીના નેતૃત્વમાં કામ કરવાની તક મળી રહી છે, તે મારા માટે સૌભાગ્યની વાત છે. હું મારા જીવનની દરેક પળ સમર્પિત કરતા ભાજપ માટે કામ કરીશ. આ મારી જીંદગીની સૌથી મહત્વની પળ છે.
જગજાહેર છે આઝમ અને જયા પ્રદાની દુશ્મની
સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાન રામપુરથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. આઝમ અને જયા પ્રદા વચ્ચે જૂની દુશ્મની છે. ભાજપના સુત્રોએ અગાઉથી જ દાવો કર્યો હતો કે, જયા પ્રદા ભાજપમા જોડાશે અને રામપુર બેઠક પરથી જ ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. સમાજવાદી પાર્ટીમાં રહીને આઝમ ખાને અમર સિંહના કહેવા પર રામપુરથી 2004ની લોકસભા ચૂંટણીમાં જયા પ્રદાને લડાવીને જીત મેળવી હતી. પરંતુ બંન્નેની રાજકીય દોસ્તી ટુંકમાં જ દુશ્મનીમાં બદલી ગઈ.
આઝમ ખાનનો વિરોધ છતાં જીતી ગઈ હતી જયા પ્રદા
2009ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ઉમેદવાર હોવા છતાં પણ આઝમ ખાને જયા પ્રદાનો વિરોધ કર્યો હતો, પરંતુ જયા પ્રદાએ જીત હાંસલ કરી હતી. વર્તમાન કેબિનેટ પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીની એ ચૂંટણીમાં જમાનત જપ્ત થઈ ગઈ હતી. જયાની એ જીત બાદ આઝમ ખાનના બોલી બદલાઈ ગઈ હતી. તે ઘણી વખત જયા પ્રદાને નાચવા વાળી અદાકાર કહેતા હતાં. અને સલાહ આપતા રહ્યાં કે, તેમનું કામ ફિલ્મોમાં છે, રાજકારણમાં નહીં. આ દુશ્મની એટલી ચાલી કે, આઝમ ખાનના કહેવા પર અમર સિંહની સાથે સાથે જયા પ્રદાને પણ એસપીમાંથી કાઢી મુકવામાં આવી. 2014માં જયા પ્રદા લોકસભાની ચૂંટણી રામપુરની જગ્યાએ બિજનોરથી આરએલડીની ટિકિટ પર લડી હતી, પરંતુ તે હારી ગઈ.