નવી દિલ્હીઃ હવે કોઈ પણ વ્યક્તિએ રોકડ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ પાસે રાખવાની જરૂર નથી પડતી. જો તમારી પાસે તમારો સ્માર્ટફોન તમારી સાથે હોય તો તમે સરળતાથી પેમેન્ટ કરી શકો છે. એની સરળતાથી ટ્રાન્ઝેક્શનની સીમાને કારણે એ સરળતાથી લોકપ્રિય થઈ રહી છે. UPI દ્વારા ટ્રાન્ઝેક્શનમાં સરળતાને કારણે લોકો એ સુવિધા વધુ ને વધુ વાપરી રહ્યા છે. જોકે હાલમાં 31 ડિસેમ્બરે સર્વરમાં આવેલી પરેશાનીને કારણે લોકોને UPI પેમેન્ટમાં મુશ્કેલી થઈ હતી. ડિસેમ્બરમાં રૂ. 12.82 લાખ કરોડથી વધુ UPI ટ્રાન્ઝેક્શન થઈ ગયા છે.
UPI દ્વારા ડિસેમ્બરમાં રેકોર્ડ રૂ. 12.82 લાખ કરોડના મૂલ્યની ચુકવણી કરવામાં આવી હતી. એ દરમ્યાન લેવડદેવડની સંખ્યા 782 કરોડે પહોંચી હતી. નાણાકીય સર્વિસ ડિપાર્ટમેન્ટે સોમવારે ટ્વીટ કર્યું હતું કે દેશમાં ડિજિટલ ચુકવણી ક્રાંતિ લાવવામાં UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ)નું મોટું યોગદાન છે. ડિસેમ્બર, 2022માં UPI લેવડદેવડ 782 કરોડ થકી રૂ. 12.82 લાખ કરોડે પહોંચી હતી.
UPI દ્વારા ચુકવણી ઓક્ટોબરમાં રૂ. 12 લાખ કરોડને પાર થયાં હતાં. નવેમ્બરમાં આ પદ્ધતિ દ્વારા 730.9 કરોડ લેવડદેવડ થઈ હતી અને એનું મૂલ્ય રૂ. 11.90 લાખ કરોડ હતું. રોકડ રહિત લેવડદેવડનું આ વાજબી માધ્યમ દર મહિને લોકપ્રિય થઈ રહી છે અને હવે 381 બેન્કો એ સુવિધા આપે છે. છેલ્લા એક મહિનામાં UPI લેવડદેવડની સંખ્યા અને મૂલ્ય ઝડપથી વધી છે, એમ સ્પાઇસ મનીના સંસ્થાપક દિલીપ મોદીએ કહ્યું હતું. નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે એ બહુ ઉપયોગી છે.
