નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ પીડિતાને ગઇ કાલે રાત્રે લખનઉથી એર લિફ્ટ કરાવીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે પીડિતાને થોડોક સમય પણ ગુમાવ્યા વગર હોસ્પિટલ પહોંચાડવા માટે એરપોર્ટથી હોસ્પિટલ સુધી ગ્રીન કોરીડોર બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે એમ્બ્યુલન્સે એરપોર્ટના ટર્મિનલ વનથી સફદરજંગ હોસ્પિટલ સુધી 13 કિલોમીટરના અંતરને 18 મીનિટમાં કાપ્યું હતું. એમ્બ્યુલન્સની આગળ પોલીસની જીપ ચાલી રહી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર પીડિતા 90 ટકા સુધી ગંભીર રીતે બળી ગઈ છે.
સફદરજંગ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો, સુનીલ ગુપ્તાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમે દર્દી માટે અલગ આઈસીયુ રુમ બનાવ્યો છે. ડોક્ટરોની એક ટીમ સતત તેની દેખરેખ કરશે. તે હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રમુખ ડો. શલભ કુમારની દેખરેખમાં રહેશે.
પીડિતા સવારે કોર્ટમાં જઈ રહી હતી ત્યારે પાંચ લોકોએ તેને આગના હવાલે કરી દીધી. યુવતીની સ્થિતિ એકદમ નાજૂક છે.
ઉન્નાવમાં એક રેપ પીડિતાના આરોપીઓએ જીવતી સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પીડિતાને ગંભીર સ્થીતીમાં લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટીના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવી હતી. પીડિતા ઉન્નાવની રહેવાસી હતી અને તેના પર રાયબરેલીમાં રેપ થયો હતો. કેસ પણ રાયબરેલીમાં જ ચાલી રહ્યો છે.
ગુરુવારના રોજ સવારે જ્યારે તે કેસની સુનાવણી માટે રાયબરેલી માટે ઘરેથી નિકળી તો આરોપીએ પોતાના સાથીદારો સાથે તેના પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી. પીડિતાએ પાંચ આરોપીઓના નામ જણાવ્યા છે. આમાંથી 3 લોકોને પહેલા પકડી લેવામાં આવ્યા હતા અને બાદમાં અન્ય બે આરોપીઓને પણ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે.