ત્રિપુરામાં ‘વળતી રથયાત્રા’ની દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરશે

અગરતાલાઃ ત્રિપુરા રાજ્યના ઉનાકોટી જિલ્લામાં ગઈ કાલે કુમારઘાટ ગામમાં ગઈ કાલે ‘ઉલટા રથયાત્રા’ (વળતી રથયાત્રા) અથવા ભગવાન જગન્નાથના રથને પરત લઈ જવાના ઉત્સવ વખતે વીજળીના જીવંત તારના સંપર્કમાં આવતાં બે બાળક સહિત સાત જણના મરણ થયા હતા અને બીજાં 16 જણ ઘાયલ થયા હતા.

તે દુર્ઘટના સાંજે 4.30 વાગ્યાના સુમારે બની હતી. વળતી રથયાત્રા ઉત્સવનું આયોજન ઈસ્કોન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં રથયાત્રા પર્વના એક અઠવાડિયા બાદ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાનાં રથને એમનાં મૂળ સ્થાને લઈ જવામાં આવે છે.

લોખંડના બનાવેલા અને ફૂલોથી સુશોભિત રથને ખેંચવા માટે હજારો લોકો સામેલ થતાં હોય છે. પરંતુ કમનસીબે માર્ગમાં એક સ્થળે પડેલા 133 કિલોવોટના એક ઓવરહેડ જીવંત કેબલના સંપર્કમાં કેટલાંક લોકો આવી ગયા હતા. છ જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે એક જણે હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં દમ છોડ્યો હતો. મૃતકોમાં બે બાળક અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. ત્રિપુરાના મુખ્ય પ્રધાન માનિક સહાએ આ દુર્ઘટનામાં મેજિસ્ટ્રેટ સ્તરે તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે.