શોપિયાં: જમ્મુ-કાશ્મીરના ટાર્ગેટ કિલિંગ દરમ્યાન એક બેન્ક મેનેજરની હત્યા કરનારા આતંકી સહિત લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીને સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં શોપિયાંમાં ઠાર કર્યા હતા, પોલીસે આ માહિતી આપી હતી. કાશ્મીર ઝોનના પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બંને આતંકવાદીઓ લશ્કરથી જોડાયેલા હતા અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ ઓપરેશનને જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત રીતે પાર પાડ્યું હતું.
કાશ્મીર ક્ષેત્રના પોલીસે કહ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીમાંથી એકની ઓળખ જાન મોહમ્મદ લોન તરીકે થઈ છે, જે કુલગામમાં એક બેન્ક મેનેજરની હત્યામાં સામેલ હતો.
રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી અને બેન્ક મેનેજર વિજય કુમાર કુલગામમાં કામ કરી રહ્યો હતો. તેની બીજી જૂને આતંકવાદીઓએ ધોળદહાડે હત્યા કરી હતી.
પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે કાંજીલુરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોની વચ્ચે થયેલી અથડામણ એ સમયે શરૂ થઈ હતી, જ્યારે પોલીસ કર્મચારીઓએ એ વિસ્તારની ઘેરાવબંધી અને તપાસ ઝુંબેશ શરૂ કર્યું હતું.