નવી દિલ્હીઃ હિટ એન્ડ રન કાયદામાં વધુ સજા અને દંડના વિરોધમાં દેશભરમાં આશરે અડધી ટ્રકોના પૈડાં થંભી ચૂક્યા છે. આ કાયદાના વિરોધમાં સામેલ થનારા ડ્રાઇવરોની સંખ્યા ધીમેઃધીમે વધતી જઈ રહી છે. ડ્રાઇવરો રોડ પર ટ્રક છોડીને જઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, પંજાબ અને ઉત્તરાખંડમાં સ્થિતિ વણસી શકે છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે (બિનરાજકીયએ) આ બપોરે આ સંબંધે દેશભરના ટ્રાન્સપોર્ટ યુનિયનોની બેઠક બોલાવી છે, જેમાં આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદાની વિરુદ્ધ ટ્રક, ડમ્પર અને બસ ચાલકો રસ્તા પર ઊતરી આવ્યા છે. જેને કારણે શાકભાજી, પેટ્રોલ-ડીઝલ જેવી પાયાની ચીજવ્સ્તુઓ કરવાવાળી ટ્રાન્સપોર્ટ સર્વિસ ખોરવાતી જાય છે. દેશનાં વિવિધ શહેરોમાં લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
તમામ રાજ્યોમાં કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદાનો વિરોધ વધી રહ્યો છે. ડ્રાઇવરોની સાથે તમામ ટ્રાન્સપોર્ટ યુનિયનો આ કાયદાના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા છે. તમામ જગ્યાએ ચક્કાજામ અને બસો-ટ્રકોની હડતાળની સૂચના છે. આ હડતાળમાં ખાનગી બસો, ટ્રકોથી માંડીને સરકારી ઓફિસોમાં સામેલ ખાનગી બસો પણ સામેલ છે. વાસ્તવમાં હિટ એન્ડ રનના નવા કાયદા હેઠળ કેન્દ્ર સરકારે 10 વર્ષની સજા અને રૂ. 10 લાખના દંડની જોગવાઈ લાગુ કરી છે.
ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદાને જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ યુનિયન ડ્રાઇવરોના ટેકામાં આવી ગયાં છે. હાલના સમયે 95 લાખથી વધુ ટ્રકો રજિસ્ટર્ડ છે, એમાંથી 70 લાખ ટ્રકો એક સમયે રોડ પર ચાલે છે. એમાંથી 30થી 40 ટકા ટ્રકો રસ્તામાં ઊભી થઈ ગઈ છે. આમ જરૂરી ચીજવસ્તુઓના સપ્લાય ખોરવાય એવી શક્યતા છે.