મેહબૂબાથી ત્રાસીને ત્રણ સાથી નેતાએ PDP છોડી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નાં પ્રમુખ મહેબૂબા મુફ્તીના નિવેદનથી નારાજ થયેલા તેમની જ પાર્ટીના ત્રણ નેતાઓએ રાજીનામાં આપી દીધાં છે. પીડીપી નેતા ટીએસ બાજવા, વેદ મહાજન અને હુસૈન એ. વફાએ રાજીનામાં આપી દીધાં છે. ત્રણેય નેતાઓએ પત્રમાં કહ્યું છે કે પાર્ટીપ્રમુખના કેટલાક નિર્ણયોથી તેઓ કેટલાક દિવસોથી અસહજતા અનુભવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે તેમણે ભારતવાસીઓની દેશભક્તિને ઠેસ પહોંચાડનારા નિવેદનો કર્યા છે.

પીડીપી અધ્યક્ષા મહેબૂબા મુફ્તીએ 14 મહિનાની નજરકેદમાંથી છૂટ્યા પછી પહેલી વાર સંવાદદાતાઓથી વાતચીતમાં કહ્યું હતું કે તેઓ તિરંગો ત્યારે જ હાથમાં લેશે, જ્યારે રાજ્યના અગાઉના ઝંડાને ફરી મંજૂરી આપવામાં આવશે.

મુફ્તીએ શુક્રવારે કહ્યું હતું કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરને લઈને ગયા વર્ષે પાંચ ઓગસ્ટે સંવિધાનમાં કરેલા ફેરફારોને પરત નહીં લેવામાં આવે, ત્યાં સુધી તેમને ચૂંટણી લડવા અથવા તિરંગો હાથમાં પકડવામાં કોઈ રસ નથી.

તેમના નિવેદનની ચોતરફથી આલોચના થઈ રહી છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મહેબૂબા મુફ્તીની આ ટિપ્પણી રાષ્ટ્રીય ધ્વજનું ઘોર અપમાન છે કે જ્યાં સુધી કાશ્મીરના ધ્વજને મંજૂરી નહીં અપાય, ત્યાં સુધી તેઓ તિરંગો નહીં ઉઠાવે.