લખનૌઃ ઉત્તર પ્રદેશમાં હવે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવાવાળાઓની ખેર નથી. CM યોગી આદિત્યનાથે હોટેલ, ઢાબા અને રેસ્ટોરાં માટે નવો આદેશ જારી કર્યો છે. CMના નિર્દેશો મુજબ ખાદ્ય પદાર્થોમાં કોઈ પણ પ્રકારના અપશિષ્ટ કે ભેળસેળ કરવાવાળાની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.
છેલ્લા કેટલાંક દિવસોમાં દેશના વિવિધ ભાગોથી મંદિરોના પ્રસાદથી માંડીને ખાદ્ય પદાર્થોમાં અન્ય ચીજવસ્તુઓની સેળભેળ કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
CM યોગી આદિત્યનાથે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા અને એની શુદ્ધતાને સુનિશ્ચિત કરવા માટે પ્રદેશના સિનિયર અધિકારીઓની સાથે મીટિંગ કરી છે. આ બેઠકમાં CMએ પ્રદેશની બધી હોટેલો, ઢાબાઓ, રેસ્ટોરાં અને અન્ય જગ્યાઓ પર ખાદ્ય પદાર્થોની સુરક્ષા અને મિલાવટ રહિત હોવા માટે તપાસ કરવા માટે તપાસના આદેશ આપ્યા છે. આ સિવાય સામાન્ય લોકોની સુવિધા, વિશ્વાસ અને આરોગ્યનું ધ્યાન રાખતાં બધાં આવશ્યક પગલાં ઉઠાવવાના સખત નિર્દેશ આપવામાં આવ્યા છે.
CM યોગીએ નિર્દેશ આપતાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં દેશના વિવિધ ભાગોમાં જ્યુસ, ખાદ્ય પદાર્થો સામાનથી માંડીને પ્રસાદમાં પણ મિલાવટ, માનવ થૂંક મેળવવા જેવી ઘટનાઓ થઈ છે. એને અટકાવવા માટે સખત પગલાં લેવાં જરૂરી છે. બધાં ઢાબા, રેસ્ટોરાં, હોટેલ અને ખાદ્ય પદાર્થો વેચવાની જગ્યાએ CCTV કેમેરાની વ્યવસ્થા કરવાની જવાબદારી સંચાલકોની છે.
CMએ એ પણ નિર્દેશ આપ્યા હતા કે CCTV માત્ર ગ્રાહકોના બેસવાની જગ્યાએ નહીં, પણ કિચન અને ખાણીપીણી તૈયાર થતા હોય, ત્યાં CCTV હોવા જરૂરી છે. એ સાથે દરેક પ્રતિષ્ઠાન સંચાલકે CCTVની ફીડને સુરક્ષિત રાખશે. જરૂરિયાત મુજબ પોલીસ કે સ્થાનિક વહીવટી તંત્ર કે ખાદ્ય વિભાગના અધિકારીઓના કેમેરાનું ફુટેજ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી છે.