નવી દિલ્હી: લોકડાઉનમાં ઘરેથી કામ કરતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હશે. પણ દરેક સમસ્યાનું સમાધાન હોય છે. અમે અહીં તમારી બીજી સમસ્યા તો નહીં પણ Gmail સંબંધિત મુશ્કેલીઓ ચોક્કસપણે હલ કરી શકીએ છીએ. Gmailના 16 વર્ષ પૂર્ણ થવા પર ગૂગલે ટ્વિટ કરીને Gmail સંબંધિત 4 ટિપ્સ બતાવી છે. આ ટિપ્સ મારફતે તમે પહેલા કરતા સરળ રીતે Gmailનો ઉપયોગ કરી શકશો.
સ્નૂઝ ઇમેઇલ્સ (Snooze Emails):
જ્યારે તમે કોઈ ઇમેઇલનો જવાબ આપવા તૈયાર ન હો ત્યારે તમે આ ફીચરનો ઉપયોગ કરી શકો છો. તમે જે પણ ઇ-મેઇલ સ્નૂઝ કરવા માંગો છો, તે ઈ-મેલની સાઇડ પર માઉસને લઈ જાઓ ત્યાં તમને રાઉન્ડ ક્લોક આઇકન દેખાશે. તેના પર ક્લિક કરો. અહીંથી તમે તમારી અનુકુળતા મુજબ સમય પણ પસંદ કરી શકો છો.
સ્માર્ટ કમ્પોઝ(Smart Compose):
આ ફીચર સજેસ્ટિવ ટેક્સટ રિસ્પોન્સનું એડવાન્સ વર્ઝન છે. જ્યારે પણ તમે કોઈ ઈમેલ ટાઈપ કરી રહ્યા હોવ તો ત્યારે આ ફીચર કોઈ પણ વાકયને પૂર્ણ કરવા માટે સૂચન આપે છે. આ ફીચર માટે તમારે Gmail ખોલીને સેટિંગ્સમાં જવાનું રહેશે. સેટિગ્સમાં ગયા પછી ત્યાં આપેલા Writing suggestions ઓપ્શનને ચાલુ કરવાનું રહેશે.
વેકેશન રિસ્પોન્ડર(Vacation Responder):
આ ફીચર તમને ત્યારે કામ આવશે જ્યારે તમારે એવું દર્શાવવું હોય કે તમે તમારું ઈમેલ એક્સેસ કરી શકતા નથી. આ ફીચરને તમે સેટિગ્સમાં જઈને ઓન કરી શકો છો. અહીં Vacation Responder વિકલ્પને ઓન કરતી વખતે તમારે તારીખ,વિષય અને મેસેજ લખવાનો રહેશે. ત્યારપછી નીચે આપેલા ઓપ્શનમાંથી તમારી ઈચ્છા અનુસાર વિકલ્પ પસંદ કરો. ત્યાર પછી સેવ ચેન્જીસ (Save Changes) પર ક્લિક કરી દો..
શિડ્યુલ સેન્ડ (Schedule Send):
જો તમે જૂદા જૂદા ટાઈમ ઝોન માટે કામ કરી રહ્યા છો તો આ ફીચર તમને ખૂબ જ કામ આવશે. આ ફીચર નક્કી કરે છે કે, જો તમે અલગ અલગ ટાઈમ ઝોનના લોકો સાથે કામ કરી રહ્યા છો તો તેના ઓફ ટાઈમ પર તેને ડિસ્ટર્બ ન કરે. એના માટે તમારે જે ઈમેલ મોકલવો છે એ લખો. ત્યારપછી સેન્ડ(SEND)ની સાથે આપલે ડ્રોપડાઉન એરો પર ક્લિક કરો અને શિડ્યુલ સેન્ડ (Schedule send) પર ક્લિક કરી દો. અહીંથી તમે સમય અને તારીખ પણ નક્કી કરી શકો છો.