કોરોનાના કેસની સંખ્યા વધીને 12,000ને પાર, 941 નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ સતત જારી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેરાત થયેલા તાજા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 12,380 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 941 નવા કેસો નોંધાયા છે અને 37 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 414 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે 1,489 દર્દીઓ આ બીમારીને હરાવવામાં સફળ પણ થયા છે.

 

 

દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને 12,380 નોંધાયા છે અને કુલ 414 લોકોનાં મોત થયાં છે. દેશમાં જે વિસ્તારોમાં કોરોના વાઇરસ સૌથી ઝડપથી પ્રસરી રહ્યો છે, એને ઓળખી કાઢ્યા છે. સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત 20 રાજ્યોમાં 170 જિલ્લાઓને હોટસ્પોટ તરીકે ઓળખી કાઢવામાં  આવ્યા છે.

કેન્દ્ર એ કોરોના વાઇરસના જિલ્લાઓની યાદી જાહેર કરી

કેન્દ્ર સરકારે દેશના જે જિલ્લામાં સૌથી વધુ કોરોના વાઇરસ ફેલાયો છે એની યાદી જાહેર કરી હતી, જેમાં જે જિલ્લાઓમાં કોવિડ-19ના સૌથી વધુ કેસો છે એને રેડ ઝોન હોટસ્પોટ તરીકે ઓળખી કાઢ્યા છે, એ પછી જ્યાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા હોય એને યલો ઝોન તરીકે ઓળખી કાઢ્યા છે. આ ઉપરાંત જ્યાં કોરોનાનો એક પણ કેસ ના નોંધાયો હોય એને ગ્રીન ઝોન તરીકે ઓળખી કાઢ્યા છે.

ચાર રાજ્યોમાં સૌથી વધુ કોરોનાના કેસ

તામિલનાડુના 22 જિલ્લાઓમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. એ પછી મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હીમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

અમેરિકામાં 24 કલાકમાં 2600 લોકોનાં મોત

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં આ વાઇરસના સંક્રમણથી 2,569 લોકોનાં મોત થયાં છે. આની સાથે અમેરિકામાં આ વાઇરસને લીધે મૃતકોની સંખ્યા 28,326એ પહોંચી ગઈ છે, જે કોઈ પણ અન્ય દેશ કરતાં સૌથી વધુ છે.