નવી દિલ્હી- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગૃહ મંત્રાલયનો કાર્યભાર સંભાળતાની સાથે જ એક્શનમાં આવી ગયાં છે. મળતી ખબર મુજબ ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ કશ્મીરમાં સીમાંકન આયોગની રચના કરવા પર વિચાર કરી રહ્યાં છે. જમ્મુ કશ્મીરમાં છેલ્લે 1995માં સીમાંકન કરાયું હતું. ત્યાારે ગવર્નર જગમોહનના આદેશ પર જમ્મુ કશ્મીરમાં 87 બેઠકોનું ગઠન થયું હતું. જમ્મુ કશ્મીર વિધાનસભામાં કુલ 111 બેઠકો છે, પણ 24 બેઠકોને ખાલી રાખવામાં આવે છે. જમ્મુ કશ્મીરના બંધારણ સેક્શન 47 મુજબ આ 24 બેઠકો પાકિસ્તાન અધિકૃત કશ્મીર માટે ખાલી છોડી દેવામાં આવે છે. અને બાકીની 87 બેઠકો પર ચૂંટણી થાય છે.
આપને જણાવી દઈએ કે જમ્મુ કશ્મીરનું બંધારણ અલગ છે. આ બંધારણ અનુસાર ચૂંટણી થતી હોય તેવા ક્ષેત્રનું દર 10 વર્ષ પછી સીમાંકન થવું જોઈએ. એવી રીતે જમ્મુ કશ્મીરમાં બેઠકોનું સીમાંકન 2005માં થવાનું હતું, પણ ફારૂક અબ્દુલા સરકારે 2002માં તેના પર 2026 સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. અબ્દુલા સરકારે જમ્મુ કશ્મીર જનપ્રતિનિધિત્વ કાયદો 1957 અને જમ્મુ કશ્મીર બંધારણમાં ફેરફાર કરીને આ નિર્ણય લીધો હતો.
2011ની વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં જમ્મુ સંભાગની વસતી 53,78,538ની છે અને આ પ્રાંતની 42.89 ટકા વસતી છે. પ્રાંતના 25.93 ટકા ક્ષેત્રફળ જમ્મુ સંભાગ અંતર્ગત આવે છે, અને વિધાનસભાની કુલ 37 બેઠકો અહીંથી ચૂંટાય છે. બીજી તરફ કશ્મીર ઘાટીની વસ્તી 68,88,475 છે અને આ પ્રાંતનો 54.93 ટકા હિસ્સો છે. અહીંથી કુલ 46 ધારાસભ્યો ચૂંટાય છે. તે ઉપરાંત લદ્દાખમાં 4 બેઠકો અને ત્યાંથી વિધાનસભામાં 4 ધારાસભ્યો ચૂંટાય છે.
સૂત્રોના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકાર અહીં એટલા માટે સીમાંકન પર ભાર આપી રહી છે કે એસસી અને એસટી સમુદાય માટે બેઠકોની અનામતની નવી વ્યવસ્થા લાગુ કરી શકાય. ઘાટીમાં આવી કોઈ બેઠકો માટે અનામત નથી. પણ અહીં 11 ટકા ગુર્જર બકરવાલ અને ગદ્દી જનજાતિના લોકોની વસતી છે. જમ્મુ સંભાગમાં 7 બેઠકો માટે રીઝર્વ છે. તેનું પણ રોટેશન થયું નથી. એટલા માટે નવી રીતથી સીમાંકન થશે તો સામાજિક સમીકરણો પર પણ તેનો પ્રભાવ પડવાની સંભાવના છે.