નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 64,531 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1092 લોકોનાં મોત થયાં છે, જે એક દિવસમાં સૌથી વધુ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 27,57,273 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 52,889 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 20,37,870 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,76,514 પહોંચી છે. દેશમાં સક્રિય કેસની 24.45 ટકા છે અને મૃત્યુદર 1.91 ટકા છે.
વિશ્વમાં 2.52 લાખ નવા કેસ, 6287 લોકોનાં મોત
વિશ્વમાં અત્યાર સુધી 2.52 લાખ નવા કેસ નોંધાયા છે, જ્યારે 7,83,491થી વધુનાં મોત થયાં છે. જોકે આ બીમારીથી ઠીક થવાવાળા લોકોની સંખ્યા 1.50 કરોડને પાર પહોંચી છે. જોકે હજી 65 લાખ સક્રિય કેસ છે.
અમેરિકામાં 56 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત
અમેરિકા કોરોના સંક્રમિત કેસોને મામલે પહેલા સ્થાને છે. અત્યાર સુધી અહીં 56 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 43,000થી વધુ નવા કેસ નોંધાયા છે અને 1358 લોકોનાં મોત થયાં છે. બ્રાઝિલમાં 24 કલાકમાં 48,000 નવા કેસ નોંધાયા છે.
3.17 કરોડ લોકોનાં ટેસ્ટિંગ કરાયાં
દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 18 ઓગસ્ટે દેશમાં 8,01,518 લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 18 ઓગસ્ટ સુધી કુલ 3,17,42, 782 લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.