કેન્દ્ર સરકારનો ટ્વિટર સાથેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને સોશિયલ મિડિયા દિગ્ગજ ટ્વિટરની વચ્ચે જારી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કેન્દ્ર સરકારે ટ્વિટરને નવા ડિજિટલ નિયમ લાગુ કરવા માટે અંતિમ ચેતવણી આપી છે. આઇટી મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કંપની ઝડપથી નવા નિયમ લાગુ કરે નહીં તો કંપનીએ ગંભીર પરિણામો ભોગવવાં પડશે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીપ્રધાન રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં આઇટીના ટોચના અધિકારીઓની સાથે ચોથી જૂને થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે કહ્યું હતું કે ટ્વિટરને નવા આઇટી નિયમોનું પાલન કરવા માટે છેવટે નોટિસ આપી છે. જો નિયમોનું પાલન નહીં થાય તો આઇટી એક્ટ 2000ની કલમ 79 હેઠળ રાહતને ખતમ કરવામાં આવશે અને ટ્વિટરને આઇટી એક્ટ હેઠળની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

આ પહેલાં ટ્વિટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનું  અને આરએસએસના વડા મોહન ભાગવત સહિત ત્રણ મોટા નેતાઓના ટ્વિટર એકાઉન્ટ અનવેરિફાઇડ કરી દીધા હતા. જોકે બાદમાં ટ્વિટરે બ્લુ ટિક રિસ્ટોર કરી દીધું હતું.ટ્વિટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જુલાઈ, 2020થી એકાઉન્ટથી એકાઉન્ટ અનએક્ટિવ છે. અમારી વેરિફાઇડ પોલિસીને હિસાબે ટવિટર બ્લુ ટિક અને વેરિફાઇડ સ્ટેટસ દૂર કરી શકે છે.