દિલ્હી મેયરની ચૂંટણીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

નવી દિલ્હીઃ દિલ્હી નગર નિગમની ચૂંટણી પછી બધાની નજર MCD મેયરની ચૂંટણી પર મંડાયેલી છે. આમ આદમી પાર્ટીની મેયર પદના ઉમેદવાર ડો. શૈલી ઓબેરોયે ગુરુવારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખયાવ્યાં હતાં અને મેયરની ચૂંટણી સમય પર કરાવવાની માગ કરી છે. એ અરજી પર ટોચની કોર્ટ શુક્રવારે સુનાવણી કરે એવી શક્યતા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર પદના ઉમેદવારોનાં નામોની ઘોષણા ગયા ડિસેમ્બરમાં કરવામાં આવી હતી.

મંગળવારે કાઉન્સિલરોના શપથ ગ્રહણ અને મેયર અને ડેપ્યુટીની ચૂંટણી માટે બોલાવવામાં આવેલી દિલ્હી નગર નિગમ (MCD)ની બેઠકમાં ફરી હંગામો થયો હતો. બીજી વાર પણ નિગમની બેઠકમાં મેયરની ચૂંટણી નહોતી થઈ શકી. આ હંગામાને કારણે બેઠક આગામી તારીખ સુધી સ્થગિત થઈ ગઈ હતી. એનાથી ગુસ્સે ભરાયેલા આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો મોડી સાંજ સુધી બેસીને એનો વિરોધ કર્યો હતો તો ભાજપના કાઉન્સિલરોએ સદનની બહાર આપ પર હંગામો કરવાનો આરોપ લગાવતા દેખાવો કર્યા હતા.

આ બેઠકમાં મેયરની પસંદગી ન થવા પર નિગમમાં બંધારણીય સંકટ ઊભું થયું હતું.પહેલી વાર એવી સ્થિતિ બની હતી કે કાઉન્સિલરોના શપથ તો થયા હતા, પણ મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી નહોતી થઈ શકી. નિગમોના એકીકરણ પછી વિશેષ અધિકારી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની શક્તિઓનો ઉપયોગ કરી રહ્યા હતા. MCD વડા મથકમાં મંગળવારે સદનની બેઠક શરૂ થઈ હતી, પણ છઠ્ઠી જાન્યુઆરીએ હંગામાને કારણે અટકી ગઈ હતી.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]