હૈદરાબાદ- આગામી 7મી ડિસેમ્બરે યોજાનારી તેલંગણા વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ 65 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તેલંગાણાના કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ એન. ઉત્તમ કુમાર રેડ્ડી હઝૂરનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની લાંબી ચાલેલી બેઠક બાદ CECના સેક્રેટરી જનરલ મુકુલ વાસનિક દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો પ્રયાસ રાજ્યના વર્તમાન સીએમ કે. ચંદ્રશેખર રાવ સરકારને પરાજીત કરી સત્તા પ્રાપ્ત કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં કોંગ્રેસ પાર્ટી તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રાબાબુ નાયડુ સાથે મળીને કેટલીક બેઠકો પર ચૂંટણી કરાર કરવા માટે પ્રયાસ કરી રહી છે. ટીડીપીનું કેન્દ્રમાં સત્તાધારી NDA સાથે ગઠબંધન હતું પરંતુ આંધ્રપ્રદેશને વિષેશ રાજ્યનો દરજ્જો નહીં આપવાના મુદ્દે TDP ગઠબંધનમાંથી અલગ થઈ ગયું હતું.
ચંદ્રાબાબુ નાયડુ હવે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વિરોધ પક્ષોને એક કરવા નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. અને વિવિધ પક્ષો વાળા એક સંયુક્ત મોરચાનો ભાગ બનવાની અપીલ કરી રહ્યાં છે.