કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર ઓમાની પાઈલટને લઈને મોટો ખુલાસો

દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં કો-પાઈલટ દ્વારા કેપ્ટન પર ચપ્પુ વડે હુમલો કરવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે આ ઘટનામાં સામેલ ઓમાની કો-પાઈલટ ઈસ્લામિક કટ્ટરપંથી વિચારધારાથી સંપૂર્ણપણે પ્રભાવિત હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પાઈલટના ઈરાન સાથે કોઈ સંબંધો હતા કે નહીં તે અંગે આગામી થોડા દિવસોમાં વિગતવાર તપાસ બાદ સ્પષ્ટતા થશે. ઈઝરાયેલી એજન્સીઓએ આ ઘટનાને જીહાદી આતંકી હુમલાનો પ્રયાસ ગણાવ્યો છે અને મોસાદ તથા શિન બેટ જેવી ગુપ્તચર સંસ્થાઓને તપાસ સોંપી છે.

સાથી પાઈલટે કહ્યું- “તે મહિલાઓ સાથે હાથ પણ મિલાવતો નહોતો”

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈઝરાયેલી ન્યૂઝ ચેનલના વિદેશી સમાચાર સંપાદક યોસેફ ઈઝરાયેલે જણાવ્યું હતું કે ફ્લાયદુબઈના એક સાથી પાઈલટે આરોપી ઓમાની કો-પાઈલટના વર્તનને અત્યંત કટ્ટરપંથી ગણાવ્યું હતું. સાથી પાઈલટના જણાવ્યા અનુસાર, આરોપી દિવસભર અતિશય પ્રાર્થનાઓ કરતો હતો અને મહિલાઓ સાથે હાથ મિલાવવાનો પણ ઈનકાર કરી દેતો હતો. ઉલ્લેખનીય છે કે ઓમાનની નાગરિકતા ધરાવતા આ પાઈલટને એરલાઈન દ્વારા માત્ર 9 મહિના પહેલા જ નોકરી પર રાખવામાં આવ્યો હતો.

સૌથી મોટી આતંકી દુર્ઘટના ટળી, સાઉદીમાં થઈ હતી ઈમરજન્સી લેન્ડિંગ

ઈઝરાયેલના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ડિરેક્ટર હેલિટ બારેલે આ ઘટનાને ઈઝરાયેલની સુરક્ષા માટે અત્યંત ગંભીર ગણાવતા કહ્યું હતું કે, આ હુમલો 9/11 જેવા આતંકી હુમલાની જેમ પ્લેન ક્રેશ કરવાનો અથવા પ્લેનમાં સવાર તમામ ઈઝરાયેલી નાગરિકોને મારી નાખવાનો પ્રયાસ હોઈ શકે છે. જોકે, પ્લેનમાં વધારાના ફ્લાઈટ ક્રૂ મેમ્બરની હાજરી અને કટોકટીના સમયે લેવાયેલા સાહસિક નિર્ણયોને કારણે એક મોટો ચમત્કાર થયો અને વિમાનને સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં સફળતા મળી હતી.

ભારતીય કેપ્ટન સ્મિત મછારને અબુ ધાબી એરલિફ્ટ કરાયા

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભારતીય કેપ્ટન સ્મિત મછારની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સાઉદી અરેબિયાના તબૂક શહેરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ વિશિષ્ટ સારવાર માટે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અબુ ધાબી ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યા છે. રિયાધ અને જેદ્દાહ સ્થિત ભારતીય એમ્બેસી કેપ્ટન સ્મિતની આરોગ્ય વિગતો પર સતત નજર રાખી રહી છે અને તેમના પરિવાર સાથે સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેપ્ટન સ્મિતના પરિવાર સાથે વાતચીત કરીને આશ્વાસન આપ્યું છે.

UAE, સાઉદી અને અમેરિકાની સંયુક્ત તપાસ

આ સનસનાટીભર્યા કાવતરા પાછળ આતંકવાદી કનેક્શન છે કે માનસિક બીમારી, તે તમામ પાસાઓ પર સાઉદી અરેબિયા, UAE, અમેરિકા, ઓમાન અને ઈઝરાયેલની તપાસ એજન્સીઓ સંયુક્ત રીતે તપાસ ચલાવી રહી છે. આ ઘટના યુએઈની એરલાઈન્સમાં બની હોવાથી સાઉદી અરેબિયામાં લેન્ડિંગ થયું હોવા છતાં મુખ્ય તપાસ યુએઈ સરકાર દ્વારા ચલાવવામાં આવશે.