ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને વધુ ઝડપી, પારદર્શી અને રોમાંચક બનાવવાના હેતુથી પ્લેઇંગ કંડિશન્સમાં કેટલાક મહત્વના સુધારા-વધારા કરવામાં આવ્યા છે. 1 ઓક્ટોબર 2026થી શરૂ થનારી તમામ આંતરરાષ્ટ્રીય સિરીઝોમાં આ નવા નિયમો લાગુ થઈ ગયા છે. જોકે, જે સિરીઝ 1 ઓક્ટોબર પહેલાથી ચાલી રહી છે, તેમાં જૂના નિયમો જ અમલી રહેશે.

ICC દ્વારા કરવામાં આવેલા 6 પ્રમુખ ફેરફારો:
1. બેટ્સમેને સમય બગાડ્યો તો 5 રનની પેનલ્ટી
સ્લો ઓવર રેટ અને સમયના બગાડને રોકવા માટે ICCએ બેટ્સમેનો પર કડક નિયમ બનાવ્યો છે. જો બેટ્સમેન નિર્ધારિત સમય મર્યાદામાં આગામી બોલ રમવા માટે તૈયાર નહીં થાય તો:
પ્રથમ ભૂલ પર: ચેતવણી આપવામાં આવશે.
બીજી ભૂલ પર: અંતિમ ચેતવણી મળશે.
ત્રીજી અને તે પછીની દરેક ભૂલ પર: બોલિંગ કરનારી ટીમને 5 પેનલ્ટી રન આપવામાં આવશે.
બારંવાર આ પ્રકારે સમયનો બગાડ કરનાર ખેલાડી સામે આચારસંહિતા (Code of Conduct) હેઠળ પણ શિસ્તભંગના પગલાં ભરાઈ શકે છે.
Pink-ball use in daytime Tests, new rules to address time-wasting and standardising ball specifications are a part of the updated ICC Playing Conditions.https://t.co/SokREflr7w
— ICC (@ICC) October 1, 2026
2. ડે-ટેસ્ટ મેચમાં પિંક બોલનો ટ્રાયલ
ખરાબ રોશની (Bad Light) ના કારણે ટેસ્ટ મેચ અટકવાની સમસ્યા ઉકેલવા માટે હવે બંને ટીમોની પરસ્પર સંમતિથી દિવસ દરમિયાન રમાતી સામાન્ય ટેસ્ટ મેચમાં પણ પિંક બોલનો ટ્રાયલ તરીકે ઉપયોગ કરી શકાશે. જોકે, આ નિર્ણય મેચ શરૂ થાય તે પહેલાં જ લેવાનો રહેશે. મેચ શરૂ થયા બાદ રેડ બોલમાંથી પિંક બોલ કે પિંકમાંથી રેડ બોલમાં ફેરફાર કરી શકાશે નહીં.
3. મહિલા અને જૂનિયર ક્રિકેટમાં બોલની સાઈઝના કડક નિયમો
મહિલા અને જૂનિયર (અંડર-19/યૂથ) ક્રિકેટમાં બોલના કદ અને વજન અંગેના નિયમો વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. હવે મેન્સ, વિમેન્સ અને જૂનિયર ક્રિકેટ માટે ત્રણ અલગ-અલગ ચોક્કસ માપ અને વજનના બોલ નિર્ધારિત કરવામાં આવ્યા છે.
4. ઓવરથ્રોની નવી સ્પષ્ટ વ્યાખ્યા
ઓવરથ્રોના રન અંગેની અસ્પષ્ટતા દૂર કરતાં સ્પષ્ટ કરાયું છે કે, જ્યારે કોઈ ફીલ્ડર રન રોકવા કે રન આઉટ કરવાના સ્પષ્ટ ઈરાદાથી સ્ટમ્પ તરફ થ્રો કરશે ત્યારે જ તેને ઓવરથ્રો ગણવામાં આવશે. માત્ર બોલ રોકવાના પ્રયાસમાં કે અન્ય ફીલ્ડરને પાસ કરતી વખતે થતી મિસફીલ્ડિંગને ઓવરથ્રો ગણવામાં આવશે નહીં.
5. બોલ ડેડ/સ્થિર ક્યારે ગણાશે?
હવે બોલ સંપૂર્ણપણે સ્થિર (Dead Ball) થયો છે કે નહીં તે નક્કી કરવાનો આખરી અધિકાર અમ્પાયર પાસે રહેશે. બોલ બોલર કે વિકેટકીપરના હાથમાં જ હોવો જરૂરી નથી. આ નિયમ ખાસ કરીને મેચની છેલ્લી ઘડીએ કે રોમાંચક સ્થિતિમાં અત્યંત મહત્વનો સાબિત થશે.
6. રન આઉટ અને સ્ટમ્પિંગમાં ફીલ્ડરનું કંટ્રોલ ફરજિયાત
હવે ફીલ્ડર બોલ હાથમાં પકડીને સ્ટમ્પ પાડે ત્યારે બોલ પર તેનું પૂર્ણ નિયંત્રણ હોવું અનિવાર્ય છે. માત્ર હાથથી બોલ સ્પર્શવો અને તે જ ક્ષણે વિકેટ પડી જવી તે રન આઉટ કે સ્ટમ્પિંગ માટે પૂરતું ગણાશે નહીં.






