ચૈન્નાઈ: દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત ટુંક સમયમાં જ તેમના રાજકીય અવતારમાં જોવા મળી શકે છે. ફિલ્મી પડદા પર લોકોના દિલ જીત્યા પછી થલાઈવા રજનીકાંત તમિલનાડુના રાજકારણમાં પોતાનું સ્થાન જમાવવા કમર કસી ચૂક્યા છે. રજનીના નજીકના સુત્રોએ જણાવ્યું કે, તમિલ સુપરસ્ટાર ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 સુધીમાં પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરી દેશે. રજનીકાંત તેમની પાર્ટીની રાજકીય રણનીતિને લઈને કેટલાક ભાજપના નેતાઓના સંપર્કમાં પણ છે.
સુત્રોએ જણાવ્યું કે, પાર્ટીની નીતિઓ અને ઉદેશ્યોને અંતિમ રૂપ આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પાર્ટીને લોન્ચ કર્યા બાદ રજનીકાંતના ફેન ક્લબ રજની મક્કલ મંદરમને નવુ નામ મળી શકે છે. સુત્રોનું માનવું છે કે, ડીએમકે નેતા એમ કરુણાનિધિ અને એઆઈડીએમકેની મહાસચિવ જયલલિતાના નિધન પછીથી રાજ્યમાં ઉભા થયેલા રાજકીય શૂન્યને ભરવા માટે રજનીકાંત નિશ્ચય કરી દીધો છે.
રજનીકાંત સાથે વાતચીત કરનાર લેખક તમિલરુવી મનિયાનએ કહ્યું કે, એમાં કોઈ શંકા નથી કે, રજનીકાંત આગામી વર્ષે તેમની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. તે વર્ષ 2021માં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે અલાયન્સનું નેતૃત્વ કરશે. મનિયાને કહ્યું કે, રજનીકાંત વિધાનસભા ચૂંટણીમાં એઆઈડીએમકે અને ડીએમકે ઉપરાંત ભાજપનો પણ રાજ્યમાંથી સફાયો કરી નાખશે.
રાજકીય ગલિયારોમાં ભાજપના સ્વાભાવિક સહયોગી માનવામાં આવતા રજનીકાંતે 8 નવેમ્બરે ભાજપને સ્પષ્ટ સંદેશ પાઠવતા કહ્યું હતુ કે, તેનુ ભગવાકરણ નહીં કરી શકાય. સુત્રોએ એમ પણ જણાવ્યું કે, રજનીકાંત તેમની પાર્ટીની રાજકીય રણનીતિ અર્થે કેટલાક ભાજપના નેતાઓના સંપર્કમાં છે. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ સ્ટાર કેન્દ્ર સમક્ષ તમિલનાડુના સમર્થનમાં કેટલીક મહત્વપૂર્ણ માગ કરી શકે છે. રજનીના નજીકના સુત્રોએ જણાવ્યું કે, જો મોદી સરકાર આ માંગોનો સ્વીકાર કરશે તો ન માત્ર રજનીકાંત પણ ભાજપ અને તમિલ લોકો માટે પણ ફાયદાકારણ સાબિત થશે. આ માગોમાં નદીઓનું જોડાણ, હાઈડ્રોકાર્બન પ્રોજેક્ટને રદ્દ કરવાનો વગેરે મુદ્દાઓ સામેલ છે.