આગ્રાઃ કોરોના વાયરસના પ્રકોપના કારણે વિશ્વની સાત અજાયબીઓ પૈકી એક એવા આગ્રાના તાજમહેલમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર એએસઆઈએ તાજમહેલ સહિત તમામ સ્મારકો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે આ મામલે ટ્વીટ પણ કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા સંસ્કૃતિ મંત્રાલયે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના તમામ ટીકિટ વાળા સ્મારક અને અન્ય તમામ, સંગ્રહાલય આગામી 31 માર્ચ 2020 સુધી બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અંતર્ગત સંરક્ષિત સ્મારક અને આખા દેશમાં કેન્દ્રીય સંગ્રહાલયો 31 માર્ચ સુધી બંધ રહેશે. તો લદ્દાખ, ઓડિશા, જમ્મૂ-કાશ્મીર અને કેરળમાં કોરોના વાયરસના એક-એક કેસો સામે આવવાની સાથે જ દેશમાં કુલ કેસોની સંખ્યા 114 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે આ પૈકી 13 લોકો સાજા થઈ જતા તેમને રજા આપી દેવામાં આવી છે જ્યારે કુલ 3 લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે પૂર્વી રાજ્ય ઓડિશામાં કોરોના પોઝિટિવના એક કેસની પુષ્ટી થઈ છે. તો ICMR દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે ભારતમાં કોરોના ચીનની જેમ કહેર મચાવી શકે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશના 15 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કોરોના વાયરસથી 135 દેશોના 1,53,517 લોકો ચેપી છે અને 6000 થી વધારે લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોના વાયરસના ચેપીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખતા સરકારે મંત્રી સમૂહની બેઠક બાદ સામાજિક અંતર રાખવા જેવા ઉપાયોને 31 માર્ચ સુધી અમલી કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.