મુંબઈઃ આવતી 1 નવેમ્બરથી દેશમાં ઘરવપરાશ માટેના રાંધણ ગેસ (LPG – લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ) સિલિન્ડરોની ડિલીવરીની સિસ્ટમ બદલાઈ જવાની છે. તમે ગેસ સિલિન્ડર બુક કરાવી દો માત્ર એટલાથી ડિલીવરીની પ્રક્રિયા પૂરી નહીં થાય. હવે કોઈ ગ્રાહક એના ગેસ વિતરક પાસે પોતાનું સિલિન્ડર બુક કરાવે કે તરત સિલિન્ડર ડિલીવર કરવામાં નહીં આવે. તમારે ગેસ સિલિન્ડરની હોમ ડિલીવરી જોઈતી હોય તો વન-ટાઈમ પાસવર્ડ (OTP) મેળવવો જરૂરી રહેશે.
ગેસ સિલિન્ડરોની ચોરી રોકવા અને યોગ્ય ગ્રાહકોની ઓળખ કરવાના હેતુથી ગેસ વિતરક કંપનીઓ નવી ડિલીવરી સિસ્ટમ લાગુ કરવાની છે. એ માટેની સિસ્ટમ જાણી લેવાની જરૂર છે.
- નવી સિસ્ટમને DAC નામ આપવામાં આવ્યું છે. આનો અર્થ થાય છે – ડિલીવરી ઓથેન્ટિકેશન કોડ. તે અનુસાર હવે ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવાથી સિલીન્ડરની ઘરમાં ડિલીવરી કરવામાં આવશે નહીં. એ માટે ગ્રાહકને તેના રજિસ્ટર્ડ મોબાઈલ ફોન નંબર પર એક કોડ મોકલવામાં આવશે. એ કોડ જ્યાં સુધી ગ્રાહક ગેસ વિક્રેતાને બતાવશે નહીં ત્યાં સુધી એને સિલિન્ડર મળશે નહીં. ધારો કે કોઈ ગ્રાહકે પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિતરક પાસે અપડેટ નહીં કરાવ્યો હોય તો એને કોડ મોકલી શકાશે નહીં. ગ્રાહકે પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિક્રેતા-ગેસ એજન્સીને આપવાનો રહેશે જેથી એ એપ્લિકેશન સાથે રિયલ-ટાઈમમાં એને અપડેટ કરી દેશે અને તે પછી ગ્રાહકને કોડ જનરેટ થશે.
- નવી યંત્રણા લાગુ થશે તે પછી ખોટું સરનામું આપનાર કે ખોટો મોબાઈલ નંબર આપનાર ગ્રાહકોને ગેસ સિલિન્ડર મેળવવામાં તકલીફ પડશે. એને સિલિન્ડરની ડિલીવરી અટકાવી દેવામાં આવશે.
- કંપનીઓ હાલ આ નવી યંત્રણાને દેશમાં 100 સ્માર્ટ સિટીમાં લાગુ કરવાની છે. ત્યારબાદ ધીમે ધીમે આખા દેશમાં તે લાગુ કરી દેવામાં આવશે.
- આ પદ્ધતિને પ્રાયોગિક ધોરણે જયપુરમાં શરૂ કરવામાં આવી હતી અને તે 95 ટકા સફળ થઈ છે. આ યોજના માત્ર ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર માટે જ હશે. વ્યાપારી વપરાશ માટેના સિલીન્ડર માટે નથી.