નવી દિલ્હી: દિવંગત પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પૂત્રી બાંસુરી સ્વરાજે તેમની માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી છે. હક્કીકતમાં સુષ્મા સ્વરાજના કહેવા પર જાણીતા વકીલ હરિશ સાલ્વેએ પાકિસ્તાનમાં પકડાયેલા ભારતના પૂર્વ નૌસેના અધિકારી કુલભુષણ જાધવનો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ લડવાનુ સ્વીકાર્યુ હતુ. લાખો રૂપિયા ફી લેતા હરિશ સાલ્વે આ કેસ માટે માત્ર એક રૂપિયો ફી લેવાનુ સ્વીકાર્યુ હતું. તાજેતરમાં સુષ્મા સ્વરાજે તેમના નિધનના ગણતરીના કલાકો પહેલા સાલ્વે સાથે વાત કરી હતી અને તેમને એક રૂપિયો ફી લેવાનુ બાકી હોવાનુ યાદ દેવડાવ્યુ હતું. સાલ્વેએ કહ્યુ હતુ કે, હું તમને મળવા આવીને મારી ફી લઈ લઈશ.
સુષ્મા સ્વરાજના નિધન બાદ તેમને ફી ચુકવવાનુ કામ તેમના પુત્રી બાંસુરી સ્વરાજે કર્યુ. સુષ્મા વતી બાંસુરીએ શુક્રવારે હરિશ સાલ્વેને મળીને એક રૂપિયો ફી ચુકવી હતી.
સુષ્મા સ્વરાજના પતિ કૌશલ સ્વરાજે ટ્વિટ કરીને લખ્યુ હતુ કે, સુષ્મા સ્વરાજની અંતિમ ઈચ્છા બાંસુરીએ પુરી કરી છે. કુલભુષણ જાધવના કેસ માટે તમે જે એક રૂપિયો ફી માટે આપવા રાખ્યો હતો તે બાંસુરીએ હરિશ સાલ્વેને આપી દીધો છે.
હરિશ સાલ્વેએ 6 ઓગસ્ટના રોજ સુષ્મા સ્વરાજ સાથે ફોન પર થયેલી વાતચીતને શેર કરતા કહ્યું કે, તે એકદમ સારી રીતે વાત કરી રહી હતી અને ખુબજ ખુશ હતી. તે મને પૂછી રહી હતી કે, હું તેમને શા માટે નથી મળતો. મે કહ્યું હતું કે, હું આજે તમને મળીશ. સુષ્માએ કહ્યું કે, તમારે આવવુ પડશે કારણ કે, મારે તમારી ફી ચૂકવવાની છે. સાલ્વેએ કહ્યું કે હું તેમને એ દિવસે સાંજે 6 વાગ્યે મળવા જવાનો હતો. મને આશ્ચર્ય થયું કે, 10 મિનિટ પછી તેમને કાર્ડિયક એરેસ્ટ આવ્યો.
ઉલ્લેખનીય છે કે, સાલ્વે દેશના સૌથી મોંઘાદાટ વકીલો પૈકી એક છે.એક રિપોર્ટ પ્રમાણે તેઓ એક દિવસની ફી તરીકે 30 લાખ રુપિયા સુધી ચાર્જ કરે છે પણ પાકિસ્તાન સામે ભારતીય નાગરિકનો કેસ લડવા તેમણે એક રુપિયો ફી લેવાનુ સ્વીકાર્યુ હતુ.