આસામ સરકારના બુલડોઝર એક્શન પર ‘સુપ્રીમ’ રોક

નવી દિલ્હીઃ બુલડોઝર એક્શનની વિરુદ્ધ ફરી એક વાર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. આસામના સોનાપુરમાં ગેરકાયદે નિર્માણ પર બુલડોઝર એક્શન પર કોર્ટે રોક લગાવી છે. જે લોકો ત્યાં વસેલા છે, તેમને હટાવવા પર પણ કોર્ટે રોક લગાવી દીધો છે. જસ્ટિસ BR ગવઈ અને કેવી વિશ્વનાથનની ખંડપીઠે આસામ સરકારને નોટિસ જારી કરી છે અને ત્રણ સપ્તાહમાં જવાબ માગ્યો છે.

કોર્ટમાં 48 લોકો તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે કોર્ટે બુલડોઝર એક્શન પર પહેલી ઓક્ટોબર સુધી રોક લગાવી છે તો પછી આ પગલાં કેમ લેવામાં આવ્યાં. આવું કરવું એ સુપ્રીમ કોર્ટનો અનાદર છે.  એ સાથે આરોપ લગાવવામાં આવ્યો હતો કે અધિકારીઓએ કાનૂની પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. એ પણ તર્ક આપવામાં આવ્યો હતો કે લોકોને સાંભળવાની તક આપ્યા વિના તોડફોડ કરવામાં આવી હતી. એ બંધારણના આર્ટિકલ 14,15 અને 21નું ઉલ્લંઘન છે.

સોનાપુર ગુવાહાટીના બહારી વિસ્તારોમાં આવે છે અને કામરૂપ જિલ્લામાં પડે છે. આ વિસ્તારમાં વહીવટી તંત્ર તરફથી કેટલાક જિલ્લાઓમાં ગેરકાયદે બાંધકામની ઓળખ કરવામાં આવી હતી. અહીં આદિવાસી વિસ્તારની જમીન પર અતિક્રમણ કરીને ઘરોનુ બાંધકામ કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે આ પહેલાં 17 સપ્ટેમ્બરે આપેલા આદેશમાં કહ્યું હતું કે કોર્ટની મંજૂરી વિના બુલડોઝરની કાર્યવાહી ના કરવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રસ્તા, ફૂટપાથ કે રેલવે લાઇન પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામમાં આ નિર્દેશ લાગુ નથી થતો.