આસામ NRC ડ્રાફ્ટ મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ

નવી દિલ્હીઃ આસામમાં તાજેતરમાં પ્રકાશિત નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ એટલે કે NRC ના ડ્રાફ્ટ પર થયેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ ડ્રાફ્ટની બહાર રાખવામાં આવેલા 10 ટકા લોકોનું ફરીથી વેરિફિકેશન કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે NRC ડ્રાફ્ટ સંબંધિત દાવાઓ અને આપત્તિઓ સ્વિકાર કરવા માટે નિર્ધારિત 30 ઓગસ્ટની તારીખને પણ સ્થગિત કરી દીધી. હકીકતમાં આને ફાઈલ કરવાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્રની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરમાં વિરોધાભાસો પર સવાલ ઉઠાવ્યો છે. કોર્ટે કેન્દ્રના એ પ્રસ્તાવ પર પણ સંદેહ વ્યક્ત કર્યો કે જેમાં દાવો કરનારા વ્યક્તિને ડ્રાફ્ટમાં સમાવિષ્ટ થવા માટે વારસા સંબંધિત પોતાના દસ્તાવેજો બદલવાની મંજૂરી આપવામાં આવી.

આપને જણાવી દઈએ કે NRC લિસ્ટનો બીજો ડ્રાફ્ટ 30 જુલાઈના રોજ પ્રકાશિત થયો હતો જેમાં 3.29 કરોડ લોકો પૈકી 2.89 કરોડ નામ સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં 40,70,707 લોકોના નામ નથી નોંધાયા. આમાંથી 37,59,630 નામોનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય 2,48,077 પર નિર્ણય આવવાનો બાકી છે. આ પહેલા 31 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે એનઆરસીમાં સમાવિષ્ટ ન કરવામાં આવેલા 40 લાખથી વધારે લોકો વિરુદ્ધ પ્રશાસન દ્વારા કોઈ દંડાત્મક કાર્યવાહી નહી કરવામાં આવે. કોર્ટે જણાવ્યું હતું કે અત્યારે આ માત્ર એક ડ્રાફ્ટ છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે અસમ NRC કોઓર્ડિનેટરને ડ્રાફ્ટથી બહાર રાખવામાં આવેલા લોકોનો જિલ્લાવાર ડેટા રજૂ કરવા માટે જણાવ્યું હતું. 14 ઓગષ્ટના રોજ કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને જાણકારી આપવામાં આવી હતી કે દાવાઓ અને વાંધાઓને લઈને 40 લાખ લોકોના બાયોમેટ્રિક ડીટેલ્સ એકત્ર કર્યા બાદ અલગ આઈડી બનાવવામાં આવશે. એ પણ જણાવવામાં આવ્યું હતું કે NRC ના ફાઈનલ લિસ્ટનું પ્રકાશન થયા બાદ જે લોકોનું નામ આમાં હશે તેને સામાન્ય આધાર નંબર આપવામાં આવશે.