-તો પેગાસસ જાસૂસી-આરોપો ગંભીર બાબત ગણાયઃ સુપ્રીમ-કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પીટિશનોના એક જથ્થા પર સુનાવણી કરતા આજે જણાવ્યું કે જો પ્રચારમાધ્યમોના અહેવાલો સાચા હોય તો પેગાસસ જાસૂસીના આરોપો ગંભીર બાબત ગણાય. જાસૂસીની બાબતમાં વિશેષ તપાસ કરાવવાની માગણી કરતી અનેક પીટિશનોમાં માગણી કરવામાં આવી છે. એક પીટિશન એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા સંસ્થાએ પણ કરી છે.

સુપ્રીમ કોર્ટે એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને વરિષ્ઠ પત્રકાર એન. રામ સહિતના અરજદારોને પણ કહ્યું છે કે ઈઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા જાસૂસીની બાબતમાં તપાસ કરાવવાની માગણી કરતી અરજીઓની કોપીઓ કેન્દ્ર સરકારને પણ આપવામાં આવે જેથી સરકાર તરફથી નોટિસનો સ્વીકાર કરવા કોઈ હાજર થઈ શકે. દેશના ચીફ જસ્ટિસ એન.વી. રામના અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતની બેન્ચે કહ્યું કે એ વાતમાં તો શંકા નથી કે જો અહેવાલો સાચા હોય તો જાસૂસીના આરોપો ગંભીર ગણાય.