નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટે કર્ણાટક કોંગ્રેસના વિવાદાસ્પદ નેતા ડી.કે. શિવકુમારને આપવામાં આવેલા જામીનને પડકારતી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એજન્સીની પીટિશનને આજે ફગાવી દીધી છે.
આમ, શિવકુમારને સર્વોચ્ચ અદાલત તરફથી મોટી રાહત મળી છે. મની લોન્ડરિંગના કેસમાં શિવકુમારને ગઈ 23 ઓક્ટોબરે દિલ્હી હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતા. હાઈકોર્ટના નિર્ણયને ઈડી એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
પરંતુ, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે શિવકુમારને કોઈ પ્રકારની નોટિસ ઈસ્યૂ કરવી નહીં.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ આર.એફ. નરિમાન અને એસ. રવિન્દ્ર ભટ્ટે ઈડી વતી કોર્ટમાં હાજર થયેલા સોલિસીટર જનરલની એ વિનંતીને નકારી કાઢી હતી જેમાં એવી માગણી કરવામાં આવી હતી કે શિવકુમાર વિરુદ્ધ નોટિસ ઈસ્યૂ કરવા દેવામાં આવે.
દિલ્હી હાઈકોર્ટે શિવકુમારની જામીન અરજીને મંજૂર કરી એ પહેલાં ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી.
ઈડી એજન્સીની દલીલ હતી કે શિવકુમાર પર ગંભીર આરોપ છે એટલે એમને જામીન મળવા ન જોઈએ.
શિવકુમાર કર્ણાટકના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન છે અને પાર્ટીના સંકટમોચક નેતા ગણાય છે.
એમની પર આરોપ છે કે એમણે હવાલા મારફત નાણાંની લેવડદેવડ કરી હતી.
ઈડીએ કરેલી પીટિશનને નકારી કાઢતી વખતે ન્યાયમૂર્તિ નરીમાને એજન્સીને કડક ભાષામાં કહ્યું હતું કે અમારા નિર્ણયને હળવાશથી લઈ શકાય નહીં. તમારે તમારા અધિકારીઓને સુપ્રીમ કોર્ટના નિર્ણયોને વાંચવાનું કહેવું જોઈએ.