કેવો રહ્યો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના કાર્યકાળનો અંતિમ દિવસ?

નવી દિલ્હીઃ પોતાના કાર્યકાળના અંતિમ દિવસે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ થોડા સમય માટે જ પોતાના કાર્યાલયમાં બેઠા. પરંપરા અનુસાર CJI રંજન ગોગોઈ પોતાના ઉત્તરાધિકારી જસ્ટિસ એસ.એ.બોબડે સાથે કોર્ટ રુમમાં બેઠા. આ દરમિયાન તેમણે માત્ર ત્રણ મીનિટમાં 10 કેસમાં નોટિસ જાહેર કરી. 17 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના કાર્યકાળનો અંતિમ દિવસ છે. પરંતુ તે દિવસે રવિવાર છે.

ચીફ જસ્ટિસ ગોગોઈ સાથે આ દરમિયાન કેટલાક પત્રકારોએ ઈન્ટરવ્યુની અપીલ કરી, પરંતુ તેમણે પત્રકારો સાથે વાત કરવાની ના પાડી દીધી. બાર એસોસિએશન દ્વારા તેમના માટે આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં CJI સંબોધન નહી કરે.

કેવો રહ્યો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના કાર્યકાળનો અંતિમ દિવસ?

  • કાર્યકાળના અંતિમ દિવસે CJI ગોગોઈ માત્ર ત્રણ મીનિટ પોતાની કોર્ટમાં બેઠા
  • પરંપરા અનુસાર તેઓ પોતાના ઉત્તરાધિકારી જસ્ટિસ બોબડે સાથે પોતાના કોર્ટ રુમમાં બેઠા
  • જ્યારે ચીફ જસ્ટિસ ગોગોઈ 10:30 વાગ્યે કોર્ટરુમ પહોંચ્યા, તો રુમ ખચોખચ ભરાયેલો હતો
  • 18 નવેમ્બરના રોજ જસ્ટિસ બોબડે નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરશે. આ પહેલા શુક્રવારના રોજ વર્તમાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ બોબડેની બેંચે કાર્યસૂચીમાં શામિલ કેસમાં નોટિસ જાહેર કરી.
  • આ પ્રક્રિયા બાદ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ રાકેશ ખન્નાએ તમામ લોકો દ્વારા જસ્ટિસ ગોગોઈને ધન્યવાદ આપ્યા અને શુભેચ્છાઓ પાઠવી
  • આ દરમિયાન જસ્ટિસ ગોગોઈએ તમામ લોકોનો આભાર માન્યો. રુમમાં ઉપસ્થિત તમામ લોકોને હાથ જોડીને આવજો કહ્યું
  • આજે બપોરે અઢી વાગ્યે ચીફ જસ્ટિસ ગોગોઈ રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પીત કરી. જ્યારે તેમણે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે પણ તેઓ રાજઘાટ ગયા હતા.
  • આજે સાંજે રંજન ગોગોઈ દેશની તમામ હાઈકોર્ટ્સના 650 જજો, 15000 થી વધારે ન્યાયિક અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધશે

ઉલ્લેખનીય છે કે રંજન ગોગોઈએ પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં ઘણા મોટા મામલાઓ વિશે નિર્ણય સંભળાવ્યો છે. જેમાં અયોધ્યા કેસ, કર્ણાટક ધારાસભ્ય કેસ, સબરીમાલા કેસ, રાફેલ વિમાન સોદા પર પુનર્વિચાર અરજી, રાહુલ ગાંધી પર કન્ટેમ્પ્ટનો કેસ સહિતના કેસો તેમણે પતાવ્યા. ચીફ જસ્ટિસ ગોગોઈની આગેવાની વાળી બેંચે સબરીમાલા વિવાદને સાત જજોની મોટી બેંચને સોંપી દીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]